ડિ''વિલિયર્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધી

ડિ''વિલિયર્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધી

હવે હું થાકયો છું, મારી ઇનિંગ પૂરી થઇ : ટ્વીટર પર સંન્યાસનો વીડિયો શેર કર્યોં
 
નવી દિલ્હી, તા.23 : દક્ષિણ આફ્રિકાના મહાન અને ચમત્કારિક ક્રિકેટર એબી ડિ'વિલિયર્સે અચાનક જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી તાત્કાલિક અસરથી નિવૃત્તિ લીધાની આજે જાહેરાત કરી છે. એબી ડિ'વિલિયેર્સે આજે બુધવારે તેના ટિવટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને કહયું છે કે `મેં આજે એક મોટો નિર્ણય લીધો છે. હવે હું થાકયો છું. અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સંન્યાસ લઇ રહ્યો છું.' એબી ડિ'વિલિયર્સના નિવૃત્તિના નિર્ણયથી વિશ્વભરના તેના લાખો ચાહકો ચોંકી ઉઠયા છે.
34 વર્ષીય આફ્રિકાના આ બેટસમેનની દુનિયાના ટોચના ક્રિકેટરો પૈકિના એકમાં થતી હતી. તેણે વીડિયોમાં વધુમાં જણાવ્યું છે કે મારી ઇનિંગ પૂરી થઇ અને ઇમાનદારીથી કહું તો થાકી ગયો છું. આ એક મુશ્કેલ નિર્ણય હતો. મેં તેના પર લાંબા સમય સુધી વિચાર કર્યોં. હવે હું નિવૃત્તિ લઇ રહ્યો છું. આમ છતાં હું હજુ પણ શાનદાર ક્રિકેટ રમી રહ્યો છું. હાલમાં જ અમે ભારત અને ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની શ્રેણી જીતી. મને લાગે છે કે ક્રિકેટ છોડવાનો આ યોગ્ય સમય છે.
દુનિયામાં 360 ડિગ્રિ બેટિંગ માટે મશહૂર એબી ડિ'વિલિયર્સે 30 માર્ચ 2018ના રોજ તેનો આખરી ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. જોહાનિસબર્ગમાં રમાયેલા ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધના એ ટેસ્ટ મેચમાં તેણે 69 અને 6 રનની ઇનિંગ રમી હતી. પોતાની 14 વર્ષની સફળ કારકિર્દી દરમિયાન ડિ'વિલિયર્સે 122 ટેસ્ટમાં 22 સદીથી 50.66ની સરેરાશથી કુલ 8765 રન કર્યાં છે. તેણે 220 વન ડેમાં 53.5ની સરેરાશથી કુલ 9577 રન કર્યાં છે. ઇન્ટરનેશનલ ટી-20માં પણ તેના આંકડા અદ્ભૂત છે. 78 ટી-20માં તેણે 10 અર્ધસદીથી 1672 રન બનાવ્યા છે. તેના નામે વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપે 31 દડામાં સદી કરવાનો વિશ્વ વિક્રમ છે. 
2019ના વર્લ્ડ કપ પહેલા ડિ'વિલિયર્સના સંન્યાસની ઘોષણાથી દ. આફ્રિકાના વર્લ્ડ કપ મિશનને મોટો ફટકો પડયો છે. તે આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનાર આઇસીસી વર્લ્ડ કપમાં આફ્રિકાની ટીમના માસ્ટર પ્લાનનો મુખ્ય હિસ્સો હતો. એબીની ખોટ આફ્રિકાની ટીમમાં પૂરી શકાય તેવી નથી.
આઇપીએલમાં એબી ડિ'વિલિયર્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઘણા સમયથી અહમ હિસ્સો બની રહયો છે. કોહલી અને તેની જોડીને સુપરમેન-બેટમેન કહેવાય છે. આઇપીએલની આ સિઝનમાં એબીએ કુલ 480 રન કર્યાં હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer