ઘઉંની આયાત ડયૂટી બમણી વધીને 40 ટકા થવાની શક્યતા

ઘઉંની આયાત ડયૂટી બમણી વધીને 40 ટકા થવાની શક્યતા

નવી દિલ્હી, તા. 23 : ઘઉંની સસ્તી આયાત સામે ઘરઆંગણે ખેડૂતોનાં હિતને રક્ષવા સરકાર તેના પરની આયાત ડયૂટી હાલના 20 ટકાથી વધારીને 40 ટકાની કરે એવી શક્યતા છે.
ઉદ્યોગ એક્ઝિકયુટિવ્ઝના જણાવ્યા મુજબ યુક્રેઈન - રશિયાથી આયાત કરાતા ઘઉં પર 20 ટકા ડયૂટીની ચુકવણી કર્યા પછી ટન દીઠ રૂા. 22,300ના ભાવે તે ઉપલબ્ધ રહે છે. તો આ સામે એમપીની ઘઉંની વેરાયટી બેંગલુરુમાં ટન દીઠ રૂા. 22,800ના ભાવે વેચાય છે. બીજી તરફ અૉસ્ટ્રેલિયાના પ્રીમિયમ ઘઉં દક્ષિણ ભારતમાં ટન દીઠ રૂા. 24,300ના ભાવે મળી રહ્યા છે.
સરકારના ત્રીજા આગોતરા અંદાજ મુજબ દેશમાં 2017-'18ના પાક વર્ષમાં 986.1 લાખ ટન ઘઉંનું વિક્રમી ઉત્પાદન થવાનું અંદાજાય છે.
આ સંજોગો વચ્ચે ઘઉંની સસ્તી આયાત ભારતીય ખેડૂતોને અસર કરે એ સ્વાભાવિક છે.
ત્યારે ગયા સપ્તાહમાં અન્ન સચિવની આગેવાની હેઠળ મળેલી ઈન્ટર-મિનિસ્ટ્રીયલ મિટિંગમાં ઘઉં પરની આયાત જકાત વધારવાની ચર્ચા થઈ હતી. આ જોતાં ટૂંક સમયમાં આ સંબંધે નોટિફિકેશન જાહેર થવાની શક્યતા છે. અન્ન, ગ્રાહક બાબતોના, કૃષિ, ફાઈનાન્સ અને વેપાર ખાતાના સચિવો તથા અધિકારીઓ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
બીજા એક અધિકારીએ કહ્યું હતું કે જ્યારે હવે ઘઉંની લણણી પૂરી થવાના આરે છે ત્યારે સરકાર આયાત-જકાત બમણી કરવા વિચારણા કરી રહી છે. દેશમાં તેનો મોટો પાક થવાનો અંદાજ છે ત્યારે સરકાર ખેડૂતોને વળતરદાયક ભાવ મળી રહે તેની ખાતરી મળી રહે તે માટે સજ્જ છે. ભારતે 2017-'18માં 14.8 લાખ ટન ઘઉંની આયાત કરી હતી, જ્યારે 2016-'17માં 57.5 લાખ ટન આયાત કરાઈ હતી. આ વર્ષે એપ્રિલથી તેની કોઈ આયાત થઈ નહોતી. એફસીઆઈના મુજબ સરકારી એજન્સીઓએ 333 લાખ ટન ઘઉંનું પ્રોકયુરમેન્ટ કર્યું છે. વધુમાં તેની પાસે 130 લાખ ટનનો કેરીઓવર સ્ટોક હતો. આ જોતાં સમાજ કલ્યાણ યોજનાઓ અને મિનિમમ બફર માટે 300 લાખ ટનની જરૂરિયાત માટે પૂરતો જથ્થો હોવાનું કહી શકાય.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer