ક્રૂડતેલના સતત વધતા ભાવે શૅરબજારમાં ફરીથી વેચવાલી

ક્રૂડતેલના સતત વધતા ભાવે શૅરબજારમાં ફરીથી વેચવાલી

મેટલ, એનર્જી શૅરોમાં વેચવાલી
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.23 : ક્રૂડતેલના ભાવ વધવાનું ચાલુ રહેતા અને દેશની ચાલુ ખાતાની ખાધ વધશે તેવી આશંકાએ ધૂમ વેચવાલી નીકળતા શૅરબજારો ઘટયા હતા. સેન્સેક્ષ 306.33 પોઈન્ટ્સ (0.9 ટકા) અને નિફ્ટી 106.35 (1 ટકા) ઘટીને 10430.35 બંધ રહ્યો હતો. યુરોપ અને એશિયાના બજારોમાં નબળા સેન્ટિમેન્ટ તેમ જ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેની વેપાર વાટાઘાટોથી સંતુષ્ટ નહીં હોવાની ટિપ્પણી કરતા રોકાણકારોમાં ફરી ટ્રેડ વોરનો ભય જાગ્યો છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તે ઉત્તર કોરિયા સાથેની વાટાઘાટોની શક્યતા ઓછી છે, ટ્રમ્પના આ નિવેદનથી સેન્ટિમેન્ટ ખોખરું બન્યું હતું.
નિફ્ટી એનર્જી સૂચકાંક બે ટકા અને નિફ્ટી મેટલ સૂચકાંક 3.5 ટકા ઘટયા હતા. એક ટેક્નિકલ એનાલિસ્ટે કહ્યું કે, આજે બધા ક્ષેત્રિય શૅરો ઘટયા હતી, જોકે સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાના સથવારે પીએસયુ બૅન્કોના શૅર્સ વધ્યા હતા.  સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાં હસ્તક્ષેપ કરવાનું વિચારી રહી છે તેવા અહેવાલોએ જાહેર ક્ષેત્રના અૉઈલ કંપનીઓના શૅર્સ પાંચથી સાત ટકા ઘટયા હતા. તામિલનાડુના તુતીકોરિનમાં વેદાંતના કોપર પ્લાન્ટમાં હિંસાને પગલે શૅર નવ મહિનાથી પણ વધુની નીચલી સપાટીએ રૂા.255.10 ઉપર બંધ રહ્યો હતો. જોકે સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાનો શૅર પાંચ ટકા વધીને એક મહિનાની ઉપલી સપાટી રૂા.266.9 ઉપર પહોંચ્યો હતો. ગ્રાસીમનો ત્રિમાસિક નફો 18 ટકા વધ્યો હોવાથી તેની સારી અસર શૅર ઉપર પડતા એક ટકા વધ્યો હતો. 
એનએસઈએ યુબી હોલ્ડિંગ્સ અને 15 અન્યને શો-કોઝ નોટિસ ફટકારી
એનએસઈએ લાંબા ગાળાથી સસ્પેન્ડેડ કંપનીઓના શૅર્સના ડિલિસ્ટ કરવા માટે શો-કોઝ (કારણ બતાવો) નોટિસ આપી છે. એનઈપીસી ઇન્ડિયા, નેટ4 ઇન્ડિયા, ઓર્બિટ કોર્પ, આરઈઆઈ સીક્સ ટેન રિટેલ, શ્રી ગણેશ જ્વેલરી હાઉસ અને આરઈઆઈ એગ્રો સહિત 15 કંપનીઓને એનએસઈએ આવી નોટિસ ફટકારી છે. આ કંપનીઓમાં અમુક ફડચામાં ગઈ છે, જ્યારે અમુક કંપનીઓએ લિસ્ટિંગ નિયમોનું પાલન કર્યું નથી.
કૉર્પોરેટ બોન્ડમાં બીએસઈ 28 મેથી `રેપો'ના સોદા થશે
રિઝર્વ બૅન્ક અને સેબીએ મંજૂરી મળવાથી બીએસઈમાં 28 મેથી કોર્પોરેટ ડેબ્ટ સિક્યોરિટીઝમાં રેપો (પુન:ખરીદી)  કામકાજ શરૂ કરશે. કોર્પોરેટ બોન્ડ રેપો એટલે કંપની અથવા બૅન્ક તેની પાસે બીજી કંપનીના રોકાણ દ્વારા મળેલા બોન્ડને ગિરે મૂકીને તેના નાણાં મેળવે. જેમણે બોન્ડ ગિરે મૂકવા હોય તેમણે નિર્ધારિત કિંમતે તે બોન્ડ પાછા ખરીદીને ઉધાર મેળવેલા નાણાં ચૂકવવા પડે. કોર્પોરેટ રેપો ડેબ્ટ બે  પ્રકારના હશે- સેટેલમેન્ટ ગેરેન્ટી સાથેના બાસ્કેટ રેપો અને સેટેલમેન્ટ ગેરેન્ટી વિનાના સ્પેશિયલ રેપો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer