અમલ પહેલાં પ્લાસ્ટિકબંધીને મુંબઈગરાઓનો સૉલીડ પ્રતિસાદ!


એક જ મહિનામાં 120 ટન પ્લાસ્ટિકના કચરાનો નિકાલ

મુંબઈ, તા. 23 : બરાબર એક મહિના બાદ 23 જૂનથી મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિકબંધીનો અમલ શરૂ થવાનો છે એ પહેલાં પ્લાસ્ટિકના નિકાલ કરવાની કામગીરીમાં મુંબઈ પાલિકાને નોંધનીય સફળતા મળતી હોવાનું જણાઇ રહ્યું છે. એપ્રિલથી અત્યાર સુધીમાં પાલિકાના પ્લાસ્ટિક કલેક્શન સેન્ટરોમાં 120 ટન પ્લાસ્ટિકનો કચરો એકત્ર થયો છે. 
મહારાષ્ટ્ર સરકારે વિઘટન ન થઇ શકે એવા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે અને તેનો અમલ 23 જૂનથી થશે, એ પહેલાં પાલિકાએ આવા પ્લાસ્ટિકને એકત્ર કરવા માટે શહેરનાં 25 સ્થળે મોટી કચરા પેટીઓ મૂકી છે અને હાઉસિંગ સોસાયટીઓમાંથી આવા કચરાને એકત્ર કરવા માટે હેલ્પલાઇન પણ શરૂ કરી છે. શહેરના કુલ 24 વૉર્ડમાંથી કુલ 120 ટન (1,20,000 કિલો) પ્લાસ્ટિકનો કચરો એકત્ર થયાનું પાલિકા તરફથી જણાવાયું છે. જેમાંથી 108 ટન કચરો હેલ્પલાઇનમાં મળેલી માહિતીના પગલે એકત્ર કરાયાનું જણાવાયું હતું. પાલિકાના આ સંબંધી આંકડા પ્રમાણે સૌથી વધુ 45 ટન પ્લાસ્ટિકનો કચરો વિલેપાર્લે, અંધેરી અને જોગેશ્વરી (પૂર્વ)ને આવરી લેતા કે ઇસ્ટ વૉર્ડમાંથી એકઠો થયો છે. જ્યારે ભાયખલાના ઇ વૉર્ડમાંથી 34 ટન કચરો એકઠો થયો છે. 
પાલિકાના સ્પેશિયલ નાયબ કમિશનર નિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે હેલ્પલાઇન નંબર 180222357 શરૂ કરાયો તેને હજુ મહિનો પણ નથી થયો, તેથી આ અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે એમ કહી શકાય. પાલિકાને આશા છે કે હજુ વધુને વધુ લોકો પ્લાસ્ટિક મુક્ત મુંબઈની આ ઝુંબેશમાં સહકાર આપશે. સોસાયટીઓ આ હેલ્પલાઇન પર ફોન કરીને માહિતી આપે એટલે પાલિકાની ટીમ સોસાયટી પરિસરમાંથી પ્લાસ્ટિકનો કચરો ઉઠાવવા આવે છે. પાલિકાએ શહેરના ગેટવે અૉફ ઇન્ડિયા અને ચોપાટીઓ સહિતના પર્યટન સ્થળો, પ્રિન્સેસ સ્ટ્રીટમાં મંગલદાસ માર્કેટ તેમ જ દાદરની ફૂલ માર્કેટ સહિતની જાણીતી માર્કેટો તેમ જ ફેશન સ્ટ્રીટ અને ચોરબજાર સહિતનાં સ્થળોએ મોટી કચરા પેટીઓ મૂકી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer