દેશનાં 10 સૌથી ગંદાં રેલવે સ્ટેશનમાં મુંબઈનાં ત્રણ છે !


મુંબઈ, તા. 23 : શહેરના ત્રણ સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનની દેશના 10 સૌથી ગંદકીવાળા રેલવે સ્ટેશનોમાં ગણતરી થઈ છે. ભારતીય રેલવે દ્વારા 11થી 17મે દરમિયાન સર્વેક્ષણ કરાયું હતું. દેશમાં સૌથી ગંદુ રેલવે સ્ટેશન કાનપુર છે. ત્રીજા ક્રમાંકે કલ્યાણ સ્ટેશન, પાંચમા ક્રમાંકે લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) કુર્લા અને આઠમા સ્થાને થાણે સ્ટેશન છે. દેશમાં મુંબઈ શહેરના ત્રણ રેલવે સ્ટેશન આ યાદીમાં છે.
પ્રવાસીઓના સર્વેમાં 58.74 ટકા પ્રવાસીઓએ કલ્યાણ સ્ટેશન પરની ગંદકી બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. આ સ્ટેશન પર રોજ 2.15 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. બહારગામની 90 ટ્રેન અને 527 લોકલ ટ્રેન કલ્યાણ સ્ટેશને અવરજવર કરે છે. એલટીટી સ્ટેશનની ગંદકી અંગે 55.89 ટકા પ્રવાસીઓ અને થાણે સ્ટેશન માટે 55.72 પ્રવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ગંદકીમાં બીજા ક્રમે પટના જંકશન, ચોથું વારાણસી, છઠ્ઠું અલાહાબાદ, સાતમું જૂની દિલ્હી, નવમું લખનઊ અને દસમું ચંડીગઢ આવે છે.
ટ્રેન અને રેલવે સ્ટેશનોમાં પ્રવાસીઓની સુવિધામાં સુધારો કરવા માટે વૉઇસ રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા રેલવે પ્રવાસીઓના સૂચનો લે છે. ટિકિટ બુક કરાવતી વખતે પ્રવાસીઓ તેમના મોબાઇલ નંબર આપે છે. તેમાંથી કોઇના પણ મોબાઇલ નંબર પર ફોન કરી તે પ્રવાસી પાસેથી ટ્રેન અને સ્ટેશનની સ્વચ્છતા, આહાર વ્યવસ્થા, એસી, ટ્રેનની નિયમિતતા અને બેડરોલ અંગે સૂચન માગવામાં આવે છે.
વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે દરેક ટ્રેન માટે રોજ સરેરાશ આવા 60થી 70 કૉલ કરવામાં આવે છે. રોજ એક લાખ પ્રવાસીઓને કૉલ કરવાનો પ્રયત્ન અમે કરીએ છીએ. આ સૂચનોને લીધે પ્રવાસીઓ માટેની સુવિધામાં પણ સુધારો થશે અને સુવિધા ઉપલબ્ધ કરાવનારને તેની જવાબદારી પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. 
આ ત્રણે સ્ટેશન મધ્ય રેલવેના છે. ત્યાંના અધિકારીએ કહ્યું હતું કે આ સ્ટેશનો પર સ્વચ્છતા અંગે પગલાં લેવાશે. એલટીટી સ્ટેશન પર ગત મહિને સફાઇયંત્ર બેસાડવામાં આવ્યું હતું. થાણે અને કલ્યાણ સ્ટેશન પર પણ બહુ જ જલદી બેસાડવામાં આવશે. એલએલટી સ્ટેશન પરથી રોજ 50,000 પ્રવાસી પ્રવાસ કરે છે જેથી પાણીની અછત રહેવાથી સફાઇ થઈ શકતી નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer