વિનોદ ભટ્ટનાં પુસ્તકો ગુજરાતી સાહિત્યની મૂડીસમાન


અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.23 : વિનોદ ભટ્ટના હાસ્ય પદાર્થની સૈદ્ધાંતિક ચર્ચા કરતા તેમના પુસ્તકો ગુજરાતી સાહિત્યની મૂડીસમાં છે. તેમની આત્મકથા એવા રે અમે એવા... ગુજરાતી આત્મકથા સાહિત્યમાં ટોચનું સ્થાન ધરાવે છે. તેને સૌ પ્રથમ પ્રસિદ્ધ કરવાનો યશ જન્મભૂમિપત્રોના જન્મભૂમિ, ફૂલછાબ, કચ્છમિત્રને ફાળે જાય છે. ઇદમ તૃતીયમ, વિનોદ ભટ્ટના પ્રેમપત્રો, વિનોદની નજરે, હાસ્ય, આંખ આડા કાન, ઇદમ ચતુર્થમ્ જેવા તેમના પુસ્તકોને વિવિધ પારિતોષિકોથી નવાજવામાં આવ્યા હતા. 
વિનોદ ભટ્ટે ગુજરાતની હાસ્ય ધારા, હાસ્યાયન, શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ, હાસ્ય માધુરી, હાસ્ય નવનીત, જ્યોતીન્દ્ર દવેની પ્રતિનિધિ હાસ્ય રચનાઓ, હાસ્યેન્દ્ર જેવાં પુસ્તકોનું સંપાદન કર્યું હતું. તેમણે માત્ર હાસ્યરચનાઓ જ નહોતી લખી પણ સ્વપ્નદ્રષ્ટા મુનશી, ગ્રેટ શોમેન જ્યોર્જ બનાર્ડ શો, એન્ટવ ચેખલ જેવા પરિચયકોશ પણ આપ્યા હતા.  
વિનોદ ભટ્ટને અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં 1976માં કુમાર ચંદ્રક એવોર્ડ, 1998માં રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ, 2016માં રમણભાઇ નીલકંઠ પુરસ્કાર તથા જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક તેમની આગવી ઉપલબ્ધિઓ છે. 
નોંધનીય છે કે, જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાની જેમ વિનોદ ભટ્ટ ગુજરાતી હાસ્ય સાહિત્યમાં ટોચનું નામ હતા. હાસ્યને તેમણે ઘણી જ ગંભીરતાથી લીધું હતું. ગુજરાતીઓની છેલ્લી ત્રણ પેઢીને શિષ્ટ અને સુરુચિપ્રદ હાસ્યથી ખડખડાટ હસાવનારા વિનોદભાઇ ભટ્ટની સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી નાજુક હતી. તેમને અગાઉ પણ યુરિયાનું પ્રમાણ વધી જવાથી સમસ્યા થઇ હતી. તેઓ બે બે વાર પરણેલા. બન્ને જીવનસાથી તેમનાથી વહેલા ગયા. હજુ હમણાં થોડાક  મહિનાઓ પહેલા જ તેમના પત્ની નલીનીબેનનું નિધન થયું છે. 
 મુખ્ય પ્રધાન સહિત સાહિત્યકારોને વિનોદ ભટ્ટને ભાવભીની શબ્દાંજલિ
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મૂર્ધન્ય હાસ્ય લેખક વિનોદ ભટ્ટના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્ય પ્રધાન રૂપાણીએ શોક સંદેશમાં કહ્યું છે કે, માર્મિક શૈલીમાં પોતાના હાસ્ય લેખ અને લેખ માળાઓ પુસ્તકો દ્વારા વિનોદભાઇએ સમાજ જીવનની વાસ્તવિકતાઓનું બેખૂબી નિરૂપણ કર્યું છે. મુખ્ય પ્રધાને સદ્ગતને અંજલિ આપતાં ઉમેર્યું કે, તેમના દુ:ખદ નિધનથી ગુજરાત સાહિત્ય જગતને ન પુરાય તેવી ખોટ પડી છે. 
પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વિનોદ ભટ્ટ  માત્ર હાસ્યલેખક નહિ પરંતુ હાસ્યરસના મર્મજ્ઞ હતા. તેમના હાસ્યલેખોમાં ઉંડાણ હતું. ગુજરાતે જે ગણમાન્ય હાસ્યલેખકો  સમાજ જીવનને આપ્યા છે તેમાં વિનોદ ભટ્ટ અગ્રીમ હરોળના હાસ્યલેખક હતા અને તેમના અવસાનથી ગુજરાતે અગ્રીમ હરોળના હાસ્યલેખક ગુમાવ્યા છે. 
રઘુવીર ચૌધરી
જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરીએ દુ:ખની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, વિનોદભાઇ હાસ્યકાર હોવાની સાથે વિદ્વાન પણ હતા. તેઓ બધા હાસ્યકારોને ચાહતા હતા. સમકાલીન સર્જકો, વાર્તાકાર, કવિ, નવલકથાકાર, બધા માટે પ્રેમ હતો. તે રાજકારણ વિશે લખતા, ટીકા કરી હોય તોપણ વાંચીને રાજકારણીઓ ખુશ થતા. ટીકા કરવા માટે નહીં પણ તેઓ બે પાળા ચાલતા. પત્રકાર તરીકે કોલમ આપી, પુસ્તકો વિશે પણ લખતા. જગતના મોટા હાસ્યકારોના ચરિત્ર વિશે લખવાની એક શૈલી ઊભી કરી. ગુજરાતી સાહિત્ય પરિષદમાં બે વર્ષ પ્રમુખ રહ્યા અને પરિષદ માટે ઘણું કર્યુ. તેઓ 80 વર્ષ ભરપુર જીવ્યા . લેખક, અભ્યાસી, કર્મશીલ, એમનું હોવું આપણને હંમેશાં યાદ આવ્યા કરશે. 
રતિલાલ બોરીસાગર
હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, વિનોદ ભટ્ટના અવસાનથી ગુજરાતી હાસ્ય સાહિત્યનો એક આખો યુગ આથમી ગયો છે એવી લાગણી થાય છે. વિનોદ ભટ્ટ આપણી ભાષાના ટોચના હાસ્યકાર હતા. જ્યોતીન્દ્ર દવે અને બકુલ ત્રિપાઠી પછી લેવું પડે તેવું નામ વિનોદ ભટ્ટનું છે. ખાસ કરીને એવા રે અમે એવા એમની ઉત્કૃષ્ટ આત્મકથા સૌ પ્રથમ પ્રસિદ્ધ કરવાનો યશ જન્મભૂમિપત્રોના જન્મભૂમિ, ફૂલછાબ અને કચ્છમિત્રને ફાળે જાય છે અને નોંધપાત્ર આત્મકથાને તેમણે લાખો વાચકો સુધી પહોંચાડી. 
ભાગ્યેશ જહાં
કવિ, લેખક ભાગ્યેશ જહાંએ ભારે દુ:ખ સાથે જણાવ્યું હતું કે, વિનોદભાઇના જવાથી જ્યોતીન્દ્ર દવે પછી ઊભો થયેલો નવો હાસ્યનો યુગ અર્થાત્ ગુજરાતી સાહિત્યનો વિનોદયુગ આજે આથમ્યો છે. વિનોદભાઇ હાસ્યલેખક ઉપરાંત એક ઉત્તમોત્તમ વ્યક્તિ હતી. કોઇ પણ પ્રકારનો દંભ નહીં, કોઇ પ્રકારની ખટપટ નહીં એવું સરસ વ્યક્તિત્વ આપણી વચ્ચેથી જતા રહ્યા છે તેનું  સૌ સાહિત્યકારો, વાચકો અને ચાહકો જે આખા દુનિયામાં ફેલાયેલા છે તેને ભારે દુ:ખ થયું છે. 
તુષાર શુક્લ 
કવિ, લેખક તુષાર શુક્લએ શબ્દાંજલિ આપતા જણાવ્યું હતું કે, નિર્દોષ, નિર્દંશ અને નિખાલસ એવું હાસ્ય સર્જનારા સર્જકે આપણા વચ્ચેથી વિદાય લીધી. વિનોદભાઇ વિદ્વાન હાસ્યલેખક હતા. વિનોદભાઇ સાચી વાત સામે મોઢે કરવાની વિશેષતા ધરાવતા હતા તે તેની મોટી લાયકાત છતાં કોઇને કરી ન હોય તેવી વાત પણ તેઓ સહજતાથી કરી શકતા. તેઓ વિશિષ્ટ શૈલીના સર્જક હતા. જ્યોતીન્દ્રનું હાસ્ય અલગ હતું પણ વિનોદભાઇ હાસ્યલેખક નહીં પણ હાસ્ય સાહિત્યના અભ્યાસુ હતા. ભવિષ્યમાં હાસ્ય લખનારાઓને માટે તેમના હાસ્યલેખો સંદર્ભગ્રંથો બની રહેશે. 
કુમારપાળ દેસાઇ
જાણીતા લેખક કુમારપાળ દેસાઇએ શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતને પોતાના વ્યક્તિત્વ અને હાસ્યથી સદૈવ આનંદિત રાખનાર વિનેદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવેનું સ્મરણ કરાવે તેવી હાસ્યશક્તિ ધરાવતા હતા. માત્ર લેખનમાં જ નહીં પરંતુ તેમના જીવન વ્યવહારમાં પણ સદૈવ હાસ્ય છલકાતું રહેતું. આમે પણ આપણે ત્યાં હાસ્યલેખકોની ખોટ છે ત્યાં એક કદી પુરાય નહીં તેવી ખોટ પડી છે. 
પ્રકાશ ન. શાહ
લેખક, વિવેચક પ્રકાશ ન. શાહે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, વિનોદભાઇના જવાથી ગુજરાતી હાસ્યલેખનમાં ખરી જ પણ વિશેષ ખોટ સાહિત્યિક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓને પડી છે અને એ રીતે તેઓ લાંબો સમય યાદ રહેશે.
વિનોદ ભટ્ટની આત્મકથા એવા રે અમે એવા..ને સૌપ્રથમ પ્રસિદ્ધ કરવાનો યશ જન્મભૂમિ પત્રોને ફાળે જાય છે
ગુજરાતી આત્મકથા સાહિત્યમાં ટોચનું સ્થાન ધરાવતી હાસ્યકાર વિનોદ ભટ્ટની આત્મકથા એવા રે અમે એવા...ને સૌ પ્રથમ પ્રસિદ્ધ કરવાનો યથ જન્મભૂમિ પત્રોના જન્મભૂમિ, ફૂલછાબ, કચ્છમિત્રને ફાળે જાય છે. આ વાતને ઉજાગર કરતા જાણીતા હાસ્યલેખક રતિલાલ બોરીસાગરે જણાવ્યું હતું કે, એ સમયે જન્મભૂમિપત્રોએ વિનોદ ભટ્ટની આત્મકથા શ્રેણીબંધ રીતે પ્રસિદ્ધ કરીને લાખો વાચકો સુધી પહોંચાડી હતી અને એવા રે અમે એવા...આત્મકથા નોંધપાત્ર છે  માત્ર હાસ્ય સાહિત્યની નહીં પરંતુ ગુજરાતી સાહિત્યમાં ટોચના સ્થાને રહી છે. 
તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું કે,  જે તે સમયે સુરતથી પ્રસિદ્ધ થતા પ્રતાપમાં તે પ્રકાશિત થતી હતી કે નહીં તે મને અત્યારે યાદ નથી પરંતુ એટલું તો ચોક્કસ કહીશ કે જન્મભૂમિ, ફૂલછાબ અને કચ્છમિત્રમાં આ આત્મકથાની શ્રેણી પ્રસિદ્ધ થઇ હતી જે નોંધવું જ રહે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer