પેટ્રોલ-ડીઝલ બાદ હવે વીજળી ઉપર પડી શકે છે મોંઘવારીનો માર


વધતી માગ વચ્ચે કોલસાની પૂરતી આપૂર્તિ ન થતા કિંમત વધવાની સંભાવના
 
નવી દિલ્હી, તા. 23 : દેશભરમાં થર્મલ પાવરની વધતી જતી માગ અને માગની સરખામણીએ કોલસાની સપ્લાયમાં ઘટાડાને કારણે  વીજળીની કિંમત બે વર્ષમાં સૌથી ઉપર 6.20 રૂપિયા પ્રતિ યૂનિટ થઈ છે. જો આગામી સમયમાં પણ પરિસ્થિતિમાં સુધારો જોવા નહીં મળે તો સામાન્ય નાગરિકોને પણ વીજળીની કિંમતનો માર સહન કરવાનો સમય આવશે. 
એક અઠવાડિયા અગાઉ પ્રતિ યૂનિટ વીજળીની કિંમત 4 રૂપિયા હતી. પરંતુ ગરમીમાં વધારો થતાની સાથે વીજળીની માગમાં વૃદ્ધિ જોવા મળી હતી અને જરૂરિયાત પ્રમાણે વીજળીનું ઉત્પાદન કરવા પૂરતો કોલસો ન મળતો હોવાથી  કિંમતમાં એક અઠવાડિયાની અંદર બે રૂપિયાનો વધારો થયો હતો. તેમાં પણ પશ્ચિમી ભારતથી ઉત્તર ભારતમાં વીજળી મોકલતી ટ્રાન્સમિશન લાઈનમાં ખામી સર્જાયા બાદ અમુક રાજ્યોમાં કિંમત 8 રૂપિયા પ્રતિલિટર પહોંચી હતી. બીજી તરફ વિશ્લેષકોના કહેવા પ્રમાણે વીજળીની કિંમતમાં વૃદ્ધિ લાંબો સમય સુધી નહીં રહે. સ્પોટ માર્કેટમાંથી વીજળી ખરીદતી ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર અને તામિલનાડુની વિતરણ કંપનીઓને સપ્લાય માટે વીજળી ઓછી મળે છે. જો તેમને વધુ કિંમતે વીજળી મળશે તો તેની અસર ઉદ્યોગો અને ગ્રાહકો ઉપર જોવા મળશે. તેમાં પણ રાજ્ય સરકાર લોકો ઉપર વૃદ્ધિનો કેટલો બોજ મુકશે તેના આધારે વીજ બીલમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer