26 મેના મોદી સરકારને ચાર વર્ષ પૂરાં થશે


કૉંગ્રેસ `વિશ્વાસઘાત દિવસ' ઊજવશે, વડા પ્રધાન કટકમાં રૅલીને સંબોધશે

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 23 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની સરકારને 26 મેના ચાર વર્ષ પૂરાં થાય છે ત્યારે તે દિવસે ઓડિશાના કટક ખાતે જાહેરસભાને સંબોધીને સરકારની સિદ્ધિઓનો પ્રચાર અને ઉજવણી કરશે. 2019માં જ લોકસભાની અને ઓડિશા વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી મોદીએ કટકમાં આ દિવસે જાહેર રૅલી યોજવાનું પસંદ કર્યું છે. બીજી તરફ કૉંગ્રેસે છેલ્લાં ચાર વર્ષમાં મોદી સરકારની નિષ્ફળતાઓને ખુલ્લી પાડવા 26 મેના દિવસને `વિશ્વાસઘાત દિવસ' તરીકે મનાવવા બધી તૈયારી કરી લીધી છે. કૉંગ્રેસ મોદી સરકારે આપેલાં વચનો નહીં પાળીને કેવી રીતે લોકોનો વિશ્વાસઘાત કર્યો છે તેના પર પ્રકાશ પાડશે.
કૉંગ્રેસે ભાજપ સરકારની ચોથી વર્ષગાંઠના 26 મેના `વિશ્વાસઘાત દિવસ' મનાવવાની બુધવારે જાહેરાત કરી હતી. વિશ્વાસઘાત દિવસની ઉજવણીમાં પક્ષપ્રમુખ રાહુલ ગાંધી પણ ભાગ લેશે એવી ધારણા છે. આ દિવસને લગતાં વિરોધ પોસ્ટરને બહાર પાડતાં કૉંગ્રેસના મહામંત્રી અશોક ગેહલોતે આજે મુદ્દાઓ અંગે જૂઠું બોલવાનું બંધ કરવાની વડા પ્રધાન મોદીને સલાહ આપી હતી.
કૉંગ્રેસ મીડિયાના વડા રણદીપ સૂરજેવાલા સાથે ગેહલોતે એમ પણ જણાવ્યું હતું કે ભાવિ ચૂંટણીઓ અને 2019માં ભાજપને હટાવવા પ્રત્યેક વિપક્ષને હાથ મિલાવવાની દેશની પરિસ્થિતિ ફરજ પાડશે. `દરેક જણને સરકારની સામે ગુસ્સો છે. ખેડૂતો નાખુશ છે, યુવાનો નારાજ છે, પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધવાથી સામાન્ય માનવી ત્રસ્ત છે. લોકો વિપક્ષને એકઠા કરવા અને ભાજપને હટાવવા દબાણ કરશે.' એમ ગેહલોતે જણાવ્યું હતું.
કર્ણાટકની ચૂંટણી બાદ વિપક્ષની એકતા અંગે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કૉંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારની પોકળતાને ખુલ્લી પાડવા રાજ્યોની રાજધાનીઓ અને જિલ્લા મથકો ખાતે પક્ષના કાર્યકરો અને નેતાઓ વિરોધ પ્રદર્શનો કરશે. `વડા પ્રધાન મોદી ભારતના તમામ વડા પ્રધાનોમાં હોદ્દા પર સૌથી ઓછો સમય ગાળનારા વડા પ્રધાન રહ્યા છે તેઓ સતત વિદેશ પ્રવાસો કરતા રહે છે.' એમ ગેહલોતે વધુમાં જણાવ્યું હતું. સૂરજેવાલાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી દરેક 27માં દિવસે વિદેશ પ્રવાસ કરે છે.
બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહ કેન્દ્રમાં એનડીએની સરકારની ચાર વર્ષની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા આગેવાની લેશે. વડા પ્રધાન 26 મેના ઓડિશા જશે અને કટકમાં રૅલીને સંબોધશે એ જ દિવસે અમિત શાહ નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજશે. આ દિવસને ઊજવવા ભાજપ દેશભરમાં કાર્યક્રમો યોજશે. મોદી સરકારની સિદ્ધિઓ અને ઉપલબ્ધિઓને લોકો સમક્ષ પહોંચાડવાનું કાર્ય તમામ નેતાઓ અને કાર્યકરોને સોંપવામાં આવ્યું છે. દલિતો, વરિષ્ઠ નાગરિકો, બૂથ સ્તરે કાર્યકરો, ગામડાંમાં જનજાતિઓ વગેરેનો સંપર્ક સાધવા સેમિનારો યોજવા, પત્રકારોને મળવા વગેરે માટે આ નેતાઓને બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે. ભાજપના પ્રમુખ અમિત શાહે પણ એક યોજના ઘડી કાઢી છે જે અંતર્ગત પ્રધાનો, સાંસદો, વિધાનસભ્યો અને મેયરો સહિતના ચાર હજાર જેટલા પક્ષના વરિષ્ઠ સભ્યોને પીઢ નાગરિકો અને બૌદ્ધિકોને મળવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સુષમા સ્વરાજ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, રવિશંકર પ્રસાદ જેવા વરિષ્ઠ પ્રધાનોને પત્રકાર પરિષદો યોજવાનું જણાવવામાં આવ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer