તુતિકોરિન : નવેસરથી હિંસા, ખુવારી 13, પ્લાન્ટ વિસ્તરણ સામે હાઈ કોર્ટનો સ્ટે

તુતિકોરિન : નવેસરથી હિંસા, ખુવારી 13, પ્લાન્ટ વિસ્તરણ સામે હાઈ કોર્ટનો સ્ટે
 
સંઘની વિચારધારાને ન સ્વીકારનારા પર બળ આચરાયું : રાહુલ
 
સ્ટરલાઈટના ડિરેકટર રહેલા ચિદંબરમ જવાબ આપે : સ્વામી
 
ચેન્નાઈ, તા. 23 : તમિળનાડુના તુતીકોરીનમાંના વેદાન્તાના સ્ટરલાઈટ ઐાદ્યોગિક પ્લાન્ટ બંધ કરવાની તીવ્ર માગણી સાથે અંાદોલન ગઈ કાલે હિંસક બનતાં 11 જણાના મોત પછી આજે નવેસરથી હિંસા થવા સાથે ખુવારીઆંક 13 થયો છે. આજે મદ્રાસ હાઈ કોર્ટની મદુરાઈ બેન્ચે પ્લાન્ટના વિસ્તરણ સામે સ્ટે આપ્યો હતો અને પ્લાન્ટના એકમને વિસ્તારવા પહેલાં કંપનીને જાહેર વિચારવિમર્શની તાકીદ કરી છે. સ્ટે મેળવનાર અરજદાર નિવૃત્ત પ્રોફેસર અને અગ્રણી પ્રદર્શક રહેલા ફાતિમા બાબુએ જણાવ્યું હતું કે પ્લાન્ટ બંધ નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. દરમિયાન અંાદોલનની ખુવારીને આરએસએસ સાથે સાંકળતાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટવીટર પર જણાવ્યું હતું કે સંઘની વિચારધારા ન સ્વીકારવા સબબ પ્રદર્શનકારીઓને મારી નખાયા છે. તમિળ પ્રજાની પડખે હોવાનુ જણાવતા સંદેશમાં રાહુલે જણાવ્યું હતું કે પોલીસની મારપીટ, સ્ટેટ સ્પોન્સર્ડ ટેરરીઝમનું ક્રૂર ઉદાહરણ છે. પોલીસ ગોળીબારની નિષ્પક્ષ તપાસ માગતા ભાજપી સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ જણાવ્યુ છે કે કં.માં વર્ષો સુધી ડાયરેકટર રહેલા કોંગ્રેસી નેતા પી.ચિદંબરમે જવાબ દેવાનો રહે છે.
અંાદોલનમાં ઘાયલ થયેલા વીસ પૈકી 9ની હાલત ગંભીર છે. તુતીકોરીનમાં 144મી કલમ લાગુ છે અને સૂચિતવિસ્તારમાં બે હજાર પોલીસકર્મી તૈનાત છે. બનાવની તપાસાર્થે હાઈ કોર્ટના નિવૃત્તના વડપણમાં પંચ રચાયું છે.ગૃહ ખાતાએ અંાદોલન સબબ રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે. તમિળ નેતા વાઈકો હોસ્પિટલે ધસી જઈ ઘાયલોના ખબરઅંતરની પૃચ્છા કરી હતી. પીડિતોને મળવા તુતીકોરીન પહોંચેલા  અભિનેતા-રાજકારણી  કમલ હાસને ટકોર કરી હતી કે રાજ્યના લોકો પૂછી રહ્યા છે કે  પ્રદર્શનકારીઓ પરના ગઈ કાલના ફાયરીંગ માટે આદેશ કોણે આપ્યો ? માત્ર વળતર આપી દેવાથી સમસ્યા ઉકેલાવાની નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer