ડાવખરે આજે ભાજપમાં જોડાશે

ડાવખરે આજે ભાજપમાં જોડાશે

નિરંજન ડાવખરેનું વિધાન પરિષદ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાંથી રાજીનામું
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા નિરંજન ડાવખરેએ વિધાન પરિષદના સભ્યપદે અને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેઓ આવતી કાલે ભાજપમાં જોડાશે, જ્યારે બીજી તરફ રાષ્ટ્રવાદી કૉંગ્રેસે તેમને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
નિરંજન ડાવખરે રાષ્ટ્રવાદી કૉંગ્રેસની ટિકિટ ઉપર કોંકણ સ્નાતક મતદાર સંઘમાંથી ચૂંટાયા હતા. તે કોંકણ મતદાર સંઘ માટે ચૂંટણી જાહેર થઈ છે, તેથી પોતાની વિધાન પરિષદની મુદત પૂર્ણ થતાં તેમણે  હવે ભાજપમાં સામેલ થવાનું નક્કી કર્યું છે.
નિરંજન ડાવખરેના પિતા વસંત ડાવખરે રાષ્ટ્રવાદી કૉંગ્રેસના થાણે જિલ્લાના આગેવાન હતા. તેઓ પાંચ વખત વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. તેઓ વિધાન પરિષદના ઉપાધ્યક્ષપદે પણ હતા. વસંત ડાવખરેએ પોતાની વગ વાપરીને પોતાના પુત્ર નિરંજન ડાવખરેને વિધાન પરિષદમાં પ્રવેશ અપાવ્યો હતો.
કોંકણના સ્નાતક મતદાર સંઘમાં થાણે, નવી મુંબઈ, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિન્ધુદુર્ગનો સમાવેશ થાય છે. નિરંજન ડાવખરેને ફરી વિજય મેળવવા માટે ભાજપના સાંસદ કપિલ પાટીલ, મહારાષ્ટ્રના રાજ્યપ્રધાન રવીન્દ્ર ચવ્હાણ, વિધાનસભ્ય પ્રશાંત ઠાકુર, મહારાષ્ટ્ર સ્વાભિમાની પક્ષના નેતા અને ભાજપના સાથી નારાયણ રાણે અને શિવસેનાના વિધાનસભ્ય ઉદય સામંતની મદદ લેવી પડે એમ હતું.
ડાવખરેની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે વિધાન પરિષદના સભ્યપદેથી અને રાષ્ટ્રવાદીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. રાષ્ટ્રવાદીની સ્થાપનાથી મારા પિતા મારફતે પક્ષનું ઘડતર જોયું હતું. તેથી પક્ષ છોડતા દુ:ખ થાય છે. રાષ્ટ્રવાદીમાં પક્ષના સ્થાનિક આંતરિત રાજકારણથી કંટાળીને પોતે પક્ષત્યાગ કરી રહ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું. નિરંજન ડાવખરે વર્ષ 2012માં વિધાન પરિષદમાં ચૂંટાયા હતા.
રાષ્ટ્રવાદીના એક જૂથે વર્ષ 2016માં વસંત ડાવખરેને વિધાન પરિષદમાં પુન: પ્રવેશમાં વિઘ્નો નાખ્યા હતા અને તે જૂથ સફળ રહ્યું હતું. તે જૂથ વિરુદ્ધ પક્ષ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વસંત ડાવખરેનું બાદમાં અવસાન થયું હતું. તે સ્થાનિક જૂથ તરફથી ડાવખરેને હાંસિયામાં ધકેલવા માટે સતત પ્રયાસો થતા હતા. તેથી તેમણે રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાંની આંતરિક ખટપટથી કંટાળીને પક્ષનો ત્યાગ કર્યો હોવાનું કહેવાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer