ફિલ્મોમાં મોહર્રમના માતમનાં દૃશ્યો બતાડવા પર પ્રતિબંધની શિઆ સંગઠનોની માગણી

ફિલ્મોમાં મોહર્રમના માતમનાં દૃશ્યો બતાડવા પર પ્રતિબંધની શિઆ સંગઠનોની માગણી

મુંબઈ, તા.23 : મોહર્રમના માતમનાં દૃશ્યો ફિલ્મોમાં બતાડવા પર પ્રતિબંધની માગણી 40 જેટલાં શિઆ (અંજુમન્સ) મુસ્લિમ સંગઠનોએ ફિલ્મ સેન્સર બૉર્ડ સમક્ષ કરી છે. સંગઠનોનો દાવો છે કે મોહરમના જુલુસમાં માતમ એક ધાર્મિક પરંપરા છે અને તેમાં બલિદાનની ભાવના રહેલી છે, પરંતુ ફિલ્મોમાં આવાં દૃશ્યો માટે શૂટિંગ કરવામાં આવે છે તેમાં કોઇ ભાવના હોતી નથી. પડદા પર આવાં દૃશ્યોથી સમાજમાં હિંસાચાર સંબંધી ખોટા સંદેશા જાય છે. 
છેલ્લે શાહરુખ ખાન અભિનીત ફિલ્મ `રઇસ'માં મોહરમના માતમનાં દૃશ્યો હતાં જેની સામે વિરોધ થતાં આવાં દૃશ્યો પર સેન્સર બૉર્ડની કાતર ચલાવાઇ હતી. રવિવારે રાત્રે શિયા સંગઠનોના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી જેમાં આ સંબંધે ચર્ચા થઇ હતી. આ બેઠકમાં હાજર રહેલાં પરવેઝ અલીએ કહ્યું હતું કે મોહરમના જુલુસમાં કેટલાંય લોકો છાતી કૂટે છે અને ધારદાર હથિયારથી જાતે ઇજાઓ પહોંચાડે છે, એ માતમ મનાવવા પાછળ બલિદાનની ભાવના રહેલી છે, મહંમદ પયગંબર સાહેબના દોહિત્ર ઇમામ હુસૈનની યાદમાં માતમ મનાવવામાં આવે છે. જો કે ફિલ્મોમાં માત્ર શૂટિંગ માટે આવાં દૃશ્યો ભજવવામાં આવે છે તેમાં કલાકારોને કોઇ ભાવના નથી હોતી. હીરોને ચમકાવવા માટે આવી ધાર્મિક પરંપરા પડદા પર બતાડવી એ યોગ્ય નથી. શિયા સંગઠનો સેન્સર બૉર્ડ ઉપરાંત ફિલ્મોદ્યોગને પણ પત્ર પાઠવીને ફિલ્મોમાં માતમનાં દૃશ્યો ન રાખવાની અપીલ કરશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer