કાશ્મીર સરહદે પાકિસ્તાનના ભારે ગોળીબારમાં પાંચનાં મૃત્યુ : 40,000નું સ્થળાંતર

કાશ્મીર સરહદે પાકિસ્તાનના ભારે ગોળીબારમાં પાંચનાં મૃત્યુ : 40,000નું સ્થળાંતર

સરહદી ગામોને નિશાન બનાવાયાં : 100 જેટલાં ગામડાંમાં છવાયો સન્નાટો 
 
શ્રીનગર, તા. 23 : કાશ્મીરમાં સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા ફરી એક વખત ભારે ગોળીબારી કરવામાં આવતા લોકોમાં દહેશતનો માહોલ બન્યો છે અને સરહદ નજીકથી ઓછામાં ઓછા 40000 લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવતા 100 જેટલા ગામોમાં સન્નાટો છવાયો છે. આ દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને ગોળીબાર જારી રાખવામાં આવતા 5 લોકોએ જીવ ગુમાવ્યો છે અને20 જેટલા લોકોને ઈજા પહોંચી  છે. પાકિસ્તાન તરફથી કથુઆ, જમ્મુ અને સાંબા જિલ્લાના સરહદી ગામો અને ભારતીય સેનાની ચોકીઓ ઉપર મોર્ટરમારો અને શેલિંગ કર્યુ હતું. સરહદી વિસ્તારના લોકોના કહેવા પ્રમાણે તેઓએ 1971 બાદ પહેલી વખત પાકિસ્તાન તરફથી મોટા પ્રમાણમાં ગોળીબાર અને મોર્ટર હુમલાનો સામનો કર્યો છે. 
સરહદ ઉપરના માહોલ અંગે મળતી વધુ વિગતો પ્રમાણે પાકિસ્તાની ગોળીબારમાં એક આઠ વર્ષના બાળકનું પણ મૃત્યુ થયું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, સાંબામાં સવારે 9 વાગ્યા આસપાસ ભારે ગોળીબાર શરૂ કરવામાં આવતા 3 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે 9ને ઈજા પહોંચી હતી. પાક.રેન્જર્સે કથુઆ જિલ્લાના રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવ્યા હતા. પાક.ગોળીબાર વચ્ચે લોકોને સલામત સ્થળે ખસેડવા માટે અભિયાન છેડવામાં આવ્યું હતું. જેમાં બખ્તરબંધ ગાડીઓમાં લોકોને રાહત છાવણીઓમાં ખસેડવામાં આવ્યા હતા. કથુઆ ઉપરાંત જમ્મુ જિલ્લાના આરએસપુરા, અરણિયા, બિશ્નાહ, રામગઢ અને સાંબા સેક્ટરમાં મંગળવારની મોડી રાતથી જ પાકિસ્તાને ગોળીબાર શરૂ કર્યો હતો. આ ગોળીબારમાં રામગઢમાં એક નાગરિકનું મૃત્યુ થયું હતું. સરહદ ઉપર થઈ રહેલા ભારે ગોળીબારના કારણે 
મોટી સંખ્યામાં મકાનોને નુકસાન પહોંચ્યું છે. 
પોલીસના કહેવા પ્રમાણે કથુઆ, જમ્મુ અને સાંબા જિલ્લાના સરહદી ગામોમાં ગોળીબારના કારણે 40000 લોકો સ્થળાંતર કરવા મજબુર થયા છે જેમાંથી અમુકે રાહત છાવણીઓમાં આશ્રય લીધો છે. તો અમુક લોકો પોતાના સંબંધીઓને ત્યાં ચાલ્યા ગયા છે. આ સાથે છેલ્લા એક અઠવાડિયામાં પાકિસ્તાની ગોળીબારના કારણે સ્થળાંતર કરનારા લોકોની સંખ્યા 76000એ પહોંચી છે. અમુક સ્થળોએ પાળતુ પશુઓની દેખરેખ માટે ઘરદીઠ એક પુરુષ સભ્ય સરહદ ઉપરના મકાનમાં જ રોકાયા છે. સ્થળાંતર થયેલા લોકોના કહેવા પ્રમાણે સરહદ ઉપર તેઓએ 1971 બાદ પહેલી વખત પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર અને મોર્ટરમારાનો સામનો કર્યો છે. હવે વડાપ્રધાને પાકિસ્તાન સામે યુદ્ધનું એલાન કરીને એકવારમાં તમામ સમસ્યાનો નિકાલ કરવો જોઈએ. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer