પ્રસિદ્ધ હાસ્યલેખક વિનોદ ભટ્ટની વિદાય

પ્રસિદ્ધ હાસ્યલેખક વિનોદ ભટ્ટની વિદાય

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.23 : ગુજરાતના જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટનું નિધન થયું છે. 80 વર્ષની ઉંમરે લાંબી બીમારી બાદ આજે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનને લઇને સાહિત્ય જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. મુખ્ય પ્રધાન સહિત સાહિત્યકારોએ  વિનોદ ભટ્ટને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. અંતિમ દિવસોમાં વિનેદ ભટ્ટનું માત્ર બ્રેઇન ચાલતુ હતું પણ મોં પર હંમેશાં હાસ્ય જ રહેતું હતું. વિનોદ ભટ્ટના દેહને દાન કરવામાં આવ્યો હતો. 
મહત્ત્વનું છે કે, લાંબા સમયથી માંદગી સામે ઝઝુમી રહેલા વિનેદ ભટ્ટેઁ  ઘણાં વર્ષ અગાઉ દેહદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, એ મુજબ તેમના પાર્થિવદેહનું એલ.જી. હોસ્પિટલમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસઅર્થે દાન કરવામાં આવ્યું હતું. વિનોદભાઇના પાર્થિવદેહની યાત્રા તેમના ધર્મયુગ કોલોની કાંકરિયાસ્થિત નિવાસસ્થાનેથી   યોજવામાં આવી હતી. જેમાં અનેક સાહિત્યકારો, લેખકો, વિવેચકો અને સામાજિક અગ્રણીઓ જોડાયા હતા. 
વિનોદ ભટ્ટનો જન્મ 14 જાન્યુઆરી, 1938ના રોજ ગુજરાતના નાંદોલ ગામ ખાતે થયો હતો. તેમણે 1955માં એસ.એસ.સી. પાસ કર્યું અને 1961માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. ત્યાર બાદ તેઓ એલ.એલ.બી.ની ડિગ્રી મેળવીને વ્યવસાયે વેરા સલાહકાર બન્યા હતા. જોકે લાંબા સમયથી તેમણે લેખન પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 1996થી 1997 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય
પરિષદના પ્રમુખ પણ રહ્યા. તેઓ પરિષદને લોકોના હૃદય સુધી લઇ ગયા હતા. ઉપરાંત પરિષદને આર્થિક રીતે પગભર કરવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદમાં રહીને તેમણે અગ્રણી ગુજરાતી દૈનિકો, સામયિકોમાં કટારલેખન કરીને લોકોને વર્ષો સુધી હસાવ્યા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer