ભાજપ વિરુદ્ધ વિપક્ષની સંગઠિત લડતના `શપથ''

ભાજપ વિરુદ્ધ વિપક્ષની સંગઠિત લડતના `શપથ''

કુમારસ્વામીનો શપથગ્રહણ સમારોહ બન્યો શક્તિ પ્રદર્શનનો મંચ
 
બેંગ્લુરુ, તા. 23 (પીટીઆઈ) : કર્ણાટકમાં સત્તાનાં નાટકમાં આવેલાં શ્વાસ અધ્ધર કરી દેનારા વળાંકોનાં અંતે આજે જેડીએસનાં એચ.ડી.કુમારસ્વામીએ રાજ્યનાં 24મા મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતાં. તેમની સાથે જ કોંગ્રેસનાં જી.પરેમેશ્વરે પણ નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લીધા હતાં. કર્ણાટકમાં ભાજપને સત્તાથી વંચિત રાખવામાં સફળ થયેલા કોંગ્રેસ-જેડીએસનાં ગઠબંધનની આ નવી સરકારનો આ શપથગ્રહણ સમારોહ અપેક્ષાકૃત દિગ્ગજ વિપક્ષી નેતાઓનો જમાવડો અને શક્તિપ્રદર્શન સમાન બની ગયો હતો.
બેંગ્લુરુમાં આજે બપોરે બે વાગ્યાનાં સુમારે ઓચિંતા વાતાવરણ પલટા બાદ આવેલા જોરદાર વરસાદ પછી નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 4.30 કલાકે શાનદાર શપથ સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ કુમારસ્વામીને હોદો અને ગુપ્તતાનાં શપથ લેવડાવ્યા હતાં. આ સાથે જ કુમારસ્વામી બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતાં. આ પૂર્વે તેઓ 2006-07માં ભાજપ-જેડીએસની ગઠબંધન સરકારમાં 20 માસ માટે મુખ્યમંત્રી પદ ભોગવી ચૂક્યા છે. તેમની સાથે કોંગ્રેસનાં જી.પરમેશ્વરે પણ નાયબ મુખ્યમંત્રી પદનાં શપથ લીધા હતાં. હવે 2પમીએ કોંગ્રેસ-જેડીએસની સરકાર વિધાનસભા ગૃહમાં વિશ્વાસ મત મેળવશે.
સત્તાનાં સમીકરણોમાં ભાજપને મ્હાત આપ્યાની ઉજાણી સમાન આજનાં આ કાર્યક્રમમાં નિમંત્રિત લગભગ તમામ વિપક્ષી નેતાઓએ હાજરી પૂરાવી હતી. જેમાં યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધી, સપાનાં અધ્યક્ષ અખિલેશ યાદવ, બસપાનાં અધ્યક્ષ માયાવતી, રાજદનાં નેતા તેજસ્વી યાદવ, આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, સીપીએમનાં પોલીટબ્યુરો સભ્ય સીતારામ યેચુરી, આરએલડીનાં અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજીતસિંહ, રાજ્યસભા સાંસદ શરદ યાદવ, દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતનાં વજનદાર નેતાઓ એકમંચ ઉપર એકત્ર થયા ત્યારે ભાજપ વિરોધી શક્તિ પ્રદર્શન જેવો માહોલ બની ગયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer