સુરતીઓની અંગદાન પ્રત્યે જાગૃતિને બિરદાવતા રાષ્ટ્રપતિ કોવિંદ

સુરતીઓની અંગદાન પ્રત્યે જાગૃતિને બિરદાવતા રાષ્ટ્રપતિ કોવિંદ

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 29 : ડાયમંડ સિટી અને ટેક્સ્ટાઈલ સિટી તરીકે ખ્યાતનામ થયા બાદ ખૂબ જ ટૂંકાગાળામાં અંગદાનમાં જાગૃતિ લાવતાં સુરત શહેરે ઓર્ગન ડોનર સિટી તરીકેની નામના મેળવી છે. સુરત શહેરની અંગદાન પ્રત્યેની જાગૃતિને આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બિરદાવી હતી. દેશમાં અંગદાન અને દેહદાન માટે જાગૃતિ વધે તે માટે પ્રયાસરત ડોનેટ લાઈફ સંસ્થાના પ્રયાસોની રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી.
આજે શહેરમાં ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે અંગદાન કરનાર બ્રેઈનડેડ પરિવારના લોકોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. અંગદાનને મહાદાન ગણાવતાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ઓર્ગન હાર્વેસ્ટિંગથી લઈને તેનાં ટ્રાન્સપ્લાન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયા ટાઈમ મેનેજમેન્ટ અને કુશળતાનો સમન્વય બની, જરૂરતમંદ દર્દીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની છે. શાળા-કોલેજથી લઈને છેવાડાના માનવી સુધી આ બાબતે જાગૃતિ કેળવાય તે જરૂરી છે. તેમણે સુરતની સાથે જ અલાહાબાદ અને લખનઊ જેવાં શહેરોમાં શરૂ થયેલી અંગદાન-દેહદાનની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. 
કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યપાલ ઓ.પી. કોહલીએ કહ્યું હતું કે, લોકકલ્યાણ માટે પોતાનું સર્વસ્વ ન્યૌછાવર કરવાની આ ઉત્કૃષ્ટ પરંપરા દેશની ધરોહર છે. દધિચી ઋષિ અને શ્રીગણેશજીનો ઉલ્લેખ કરીને તેમણે સુરત શહેર અંગદાન ક્ષેત્રે નંબર વન છે તેમ જણાવ્યું હતું. માનવીય સંવેદના પ્રજ્વલિત કરનાર અંગદાતા પરિવારનો તેમણે આભાર માન્યો હતો. 
બ્રેનડેડ વ્યક્તિના અંગદાનના કઠિન કાર્યમાં દૃઢ નિર્ણય અને ઈચ્છાશક્તિ સાથે તેમના પરિવારજનો, અન્યોની જિંદગીને નવજીવન બક્ષવાના ઉમદા કાર્યમાં મોટી આહુતિ અર્પણ કરી રહ્યા છે તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું. ડોનેટ લાઈફ સંસ્થા આ મુશ્કેલ ક્ષણમાં પરિવારજનોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાની જે ભાવના રાખે છે તે ખૂબ જ બિરદાવવા લાયક છે. ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ માંડલેવાળાએ સંસ્થા દ્વારા અત્યાર સુધી કરાયેલાં અંગદાન અંગે માહિતી આપી હતી તેમ જ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની કામગીરીની રૂપરેખા આપી હતી. ડોનેટ લાઈફ સંસ્થાએ અત્યાર સુધી અંગદાનની પ્રવૃત્તિથી 582 લોકોનાં જીવનમાં નવો પ્રકાશ લાવવામાં સફળતા મેળવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer