ટ્રમ્પ-કિમની બેઠક અપેક્ષાથી વધુ સફળ નીવડતા સેન્સેક્ષ અને નિફ્ટી ચાર મહિનાની ટોચે

ટ્રમ્પ-કિમની બેઠક અપેક્ષાથી વધુ સફળ નીવડતા સેન્સેક્ષ અને નિફ્ટી ચાર મહિનાની ટોચે

એફએમસીજી, ફાર્મા, આઈટી અને બૅન્ક શૅર્સમાં ભારે લેવાલી
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોન્ગ ઉન વચ્ચે યોજાયેલી ઐતિહાસિક બેઠક બાદ એફએમસીજી, ફાર્મા, આઈટી અને બૅન્ક શૅર્સમાં ચોતરફ લાવ-લાવને પગલે મંગળવારે ભારતીય શૅરબજારમાં સૂચકાંકો ચાર મહિનાની ટોચે જોવા મળ્યા હતા. ઉત્તર કોરિયા ઉપર ન્યુક્લિયર બાબતે નિયંત્રણો લાદવાના હેતુ સાથે યોજાયેલી આ બેઠક અપેક્ષા કરતાં વધુ સારી રહી હોવાને પગલે બજારોમાં ખુશી છવાઈ હતી. જોકે, સાંજે એપ્રિલના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા તેમ જ  મે મહિનાના રિટેલ ફુગાવાના આંકડા જાહેર થનારા હોવાથી સૂચકાંકોનો ઉછાળો મર્યાદિત થયો હતો.
મંગળવારે સેન્સેક્ષ 209 પોઈન્ટ વધીને 35,693 તેમ જ નિફ્ટી 56 પોઈન્ટ વધીને 10,843ની સપાટીએ બંધ નોંધાયો હતો. સેન્સેક્ષના 17 શૅર્સ વધીને જ્યારે 14 શૅર્સ ઘટીને બંધ નોંધાયા હતા. નિફ્ટીના 29 શૅર્સ વધીને તેમ જ 21 શૅર્સ ઘટીને બંધ નોંધાયા હતા. બંને સૂચકાંકોએ પોતાની પહેલી ફેબ્રુઆરી, 2018ની ટોચ વટાવી હતી. 
વિસ્તૃત બજારોમાં બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 0.90 ટકા અને 0.54 ટકા વધ્યા હતા. ડૉ. રેડ્ડીસ લેબ (પાંચ ટકા), એસબીઆઈ (3.36 ટકા), ઈન્ડસઈન્ડ બૅન્ક, હિન્દુસ્તાન યુનિલીવર, હીરો મોટોકોર્પ અને ટીસીએસના શૅર્સમાં સૌથી વધુ તેજી હતી. એસબીઆઈએ આ નાણાં વર્ષે રૂા. 50,000 કરોડનાં 
લેણાં રિકવર કરવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં તેના શૅર્સમાં ભારે રસ જોવા મળ્યો હતો.
રિલાયન્સનો વિક્રમી કૂદકો : તેલથી માડીને ટેલિકોમ સુધીના વિવિધ ક્ષેત્રે કાર્યરત કંપનીઓના સમૂહ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શૅરમાં રૂા.999.40એ ઐતિહાસિક ટોચ જોવા મળી હતી. શૅર 1.7 ટકા ઉછળ્યો હતો. બંધ ભાવ રૂા.998 હતો.
વીડિયોકોનમાં વિક્રમી તળિયું : નાદારી અદાલતે વીડિયોકોન માટે નાદારીની પ્રક્રિયાનો આરંભ કરતાં કંપનીના શૅર્સમાં પાંચ ટકા ઘટાડે રૂા.7.65ના ભાવે વિક્રમી તળિયું જોવા મળ્યું હતું. કંપનીએ શૅરબજારોને ઈન્ટરિમ રેઝોલ્યુશન પ્રોફેશનલ (આઈઆરપી)ની નિમણૂક કરાઈ હોવાની જાણ કરી છે. સપ્ટેમ્બર, 2017ના આંકડા મુજબ કંપનીનાં કુલ દેવાં રૂા. 18,745 કરોડ છે. કંપની, આઈઆઈસીઆઈ બૅન્કના સીઈઓ ચંદા કોચર દ્વારા ધિરાણો માટે તરફેણના આક્ષેપોનો સામનો પણ કરી રહી છે. આ વર્ષે શૅરનો ભાવ લગભગ 60 ટકા તૂટયો છે. 
ફોર્ટિસનાં પરિણામો હજુ વિલંબમાં : ફાર્મા શૅર્સમાં તેજી હોવા છતાં ફોર્ટિસ હેલ્થકેરે નાણાંકીય હિસાબો રજૂ કરવા માટે શૅરબજારો પાસે હજુ વધુ સમય માગ્યો હોવાથી તેના શૅર્સમાં 2.58 ટકાનો કડાકો જોવા મળ્યો હતો. 
ક્ષેત્રવાર સૂચકાંકો : બીએસઈમાં હેલ્થકેર (1.94 ટકા) અને કેપિટલ ગુડ્સ (1.19 ટકા) ક્ષેત્રના સૂચકાંકો સૌથી વધુ વધ્યા હતા, જ્યારે મેટલ (0.56), ટેલિકોમ (0.31), બેઝિક મટિરિયલ્સ અને યુટિલિટીઝ ક્ષેત્રના સૂચકાંકો ઘટાડો દર્શાવતા હતા. એનએસઈમાં એકમાત્ર નિફ્ટી મેટલ સૂચકાંક ઘટાડે (0.43 ટકા) બંધ નોંધાયો હતો. તેના સાત શૅર્સ વધીને પરંતુ આઠ શૅર્સ ઘટીને બંધ થયા હતા. સૌથી વધુ ઘટાડો હિન્દાલ્કો ઈન્ડ (1.63 ટકા), તાતા સ્ટીલ (1.54 ટકા) અને કોલ ઇન્ડિયા (1.37 ટકા) ઘટયા હતા. બીજી તરફ, હિન્દુસ્તાન કોપર (3.62 ટકા) અને સેઇલ (2.77 ટકા વધ્યા હતા).
એનએસઈમાં સૌથી સક્રિય શૅર્સ : એનએસઈમાં વેલ્યુની 
દૃષ્ટિએ સૌથી વધુ સક્રિય એસબીઆઈ (રૂા. 875.48 કરોડ) હતો, તે પછી ટીસીએસ (રૂા. 817.39 કરોડ), લુપિન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હતા.
10,930ની સપાટીએ તેજીવાળાઓની કસોટી
- મઝહર મોહમ્મદ, ચાર્ટવ્યુ ઇન્ડિયા 
નિફ્ટીમાં સોમવારે ગ્રેવસ્ટોન દોજી પેટર્ન રચાયા બાદ નાની બુલિશ કેન્ડલ રચાઈ હોવાથી ટૂંકા ગાળામાં વલણ ઉલટાય તેમ જણાતું નથી. જો સૂચકાંક 10,860થી 10,870 વચ્ચે જળવાઈ રહે તો તેજી આગળ વધશે અને 10,930ની સપાટીએ મહત્ત્વનું રેઝિસ્ટન્સ લેવલ જોવા મળશે. આ લેવલે તેજીવાળાઓની ખરી કસોટી થશે. ત્યાં સુધી બજારમાં અનિશ્ચિતતાને પગલે ભારે વધઘટ ચાલુ રહેશે. બજારના ખેલાડીઓને સૂચકાંકમાં 10,777ની સપાટીએ સ્ટોપ લોસ ધ્યાન ઉપર રાખીને પસંદગીના ચોક્કસ શૅર્સમાં રોકાણની સલાહ છે.
કંપનીઓની એફડી તરફ વધતો રોકાણપ્રવાહ
હાલ લોકો રોકાણ માટે કંપનીઓની ફિકસ્ડ ડિપૉઝિટ તરફ વધુ વળી રહ્યા છે. કંપનીઓએ છેલ્લા બે-ત્રણ મહિનામાં 50થી 75 બેસિસ પૉઈન્ટ્સ વધુ વ્યાજદર સાથે ભંડોળ એકત્ર કર્યું છે. બજાજ ફાઈનાન્સ, ડીએચએફએલ, મહિન્દ્રા ફાઈનાન્સ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ, એચડીએફસી લિ. જેવી નૉન-બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઓએ એક ફિકસ્ડ ડિપૉઝિટ કરતાં ઊંચાં વ્યાજદર અૉફર કરી રહી છે. બજાજ ફાઈનાન્સે એપ્રિલ 2018 સુધી ત્રણ વર્ષની ડિપૉઝિટ માટે 7.85 ટકા વ્યાજદર અૉફર કર્યા હતા, જેને મે 2018માં વધારીને 8.1 ટકા અને 5 જૂન '18ના 8.4 ટકા કરવામાં આવ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer