અગિયારીના મામલે અહેવાલ હાઈ કોર્ટ સમક્ષ રાખીશું : મેટ્રો કૉર્પોરેશન


મુંબઈ, તા. 12 : અગાઉ મેટ્રો રૂટમાં આવતી બે અગિયારીઓ સંબંધે આ ધર્મસ્થળોના ટ્રસ્ટીઓ અને તેમાં ધાર્મિક વિધિઓ કરાવતા ધાર્મિક અગ્રણીઓએ કરેલી અરજીની 23 મેની સુનાવણીમાં હાઇ કોર્ટે વચગાળાના આદેશમાં મેટ્રો કોર્પોરેશનને પારસી સમુદાયની ચિંતા કાને ધરીને યોગ્ય સૂચન અને અભિપ્રાય આપવાનું કહ્યું હતું.
આ સુનાવણીમાં મેટ્રો કોર્પોરેશને કોર્ટમાં લેખિત બાંયધરી આપી હતી કે કાલબાદેવી વિસ્તારમાં મરીન લાઇન્સ સ્ટેશન નજીક આવેલી તેમ જ આ સિગ્નલથી મેટ્રો તરફ જતાં વચ્ચે આવતી અગિયારી (હેરિટેજ સ્ટ્રક્ચરમાં સમાવિષ્ટ એચ બી વાડિયા આતશ બહેરામ અને અંજુમન આતશ બહેરામ અગિયારીઓ)ની આસપાસ 14 જૂન, 2018 સુધી મેટ્રો સંબંધી કોઇ જ કામગીરી નહીં કરે. હવે 14 જૂન, ગુરુવારે હાઇ કોર્ટમાં આ અરજી પર ફરીથી સુનાવણી થવાની છે તે અગાઉ પારસી સમુદાયે આઠમી જૂને પાટકર હૉલમાં બેઠક બોલાવી આ મુદ્દે વિરોધ તીવ્ર કરવાનો ઠરાવ પાસ કર્યો છે. એક પારસી અગ્રણીએ કહ્યું હતું કે મુંબઈમાં આતશ બહેરામની ચાર જૂની અગિયારીઓ આવેલી છે અને તેમાંથી બે અગિયારીઓને જો મેટ્રોના કારણે કોઇ નુકસાન પહોંચે તો પારસી સમુદાયની આતશ બહેરામની આ ધરોહરને અડધું નુકસાન પહોંચશે.
મેટ્રો કોર્પોરેશનનાં મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની ભીડેએ જણાવ્યું હતું કે આ મામલો કોર્ટને આધિન હોવાથી હું કોઇ ટીપ્પણી ન કરી શકું, પરંતુ આ મુદ્દે અમારી બેઠક મળી હતી. અમારી કમિટી કોર્ટમાં સુનાવણી વખતે અહેવાલ રાખશે.
પારસી સમુદાય તરફથી આ બે અગિયારીને જેમ છે તેમ જ જાળવી રાખવા માટે 72 વર્ષના પારસી સિનિયર સિટિઝન અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર જમશેદ સુખડવાલાએ આગેવાની લીધી છે અને અન્ય ચાર પ્રતિષ્ઠિત પારસીઓ સાથે મળીને તેમણે હાઇ કોર્ટમાં અરજી કરેલી છે.
પાટકર હૉલમાં હાજર હજારથી વધુ પારસી સમુદાયના લોકોનું માનવું છે કે અગિયારીની નીચેથી જો મેટ્રોની ટનલોનું 
કામ થશે તે પવિત્ર અગ્નિને હાનિ પહોંચી શકે છે અને બાદમાં અગિયારીના પરિસરમાં આવેલા કૂવાનાં પાણી પણ સુકાઇ જશે.
સુખડવાલાએ પારસી ધર્મસ્થળોના વાસ્તુ અંગે જણાવ્યું હતું કે પારસી શાસ્ત્રો પ્રમાણે પવિત્ર અગ્નિ ધરાવતાં ધર્મસ્થળો (અગિયારીઓ) જમીનના સ્તરે જ હોવાં જોઇએ, તેની નીચે કોઇ પણ પ્રકારનું બાંધકામ કે પોલાણ ન હોઇ શકે, નક્કર જમીન સાથે જ અગ્નિસ્થાન જોડાયેલું હોય એ જરૂરી છે.
અગાઉ મેટ્રો સામે ગિરગાંવના સ્થાનિક રહેવાસીઓ પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે. સમાજમાં વારંવાર વિવિધ સમુદાયના લોકો ધાર્મિક સ્થળો સંબંધી વિવાદમાં આક્રમક વલણ અપનાવતાં હોવાનું નોંધાયું છે, પરંતુ પારસી સમુદાયે ધાર્મિક સ્થળો સંબંધી આ વિવાદનો નિવેડો લાવવા કાનૂની રાહ પસંદ કરીને પારસીઓ શાંતિપ્રિય હોવાનો સંદેશો 
આપ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer