નાફેડનો અહેવાલ જાહેર કરો : પરેશ ધાનાણી


ઉચ્ચ ન્યાયપાલિકાના સીટિંગ જજના નેતૃત્વમાં મગફળી કાંડની તટસ્થ તપાસ થાય તેવી કૉંગ્રેસની પુન: માગણી
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.12 : ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે સરકાર સમક્ષ નાફેડનો અહેવાલ જાહેર કરવાની  માગણી કરી છે. ધાનાણીએ ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, મગફળી કાંડ એ ભાજપની મીઠી નજર તળે મળતિયાઓનો ફાયદો કરાવવા માટે પૂર્વનિયોજિત  કાવતરું-ષડયંત્ર હતું. આ સંજોગોમાં ઉચ્ચ ન્યાયપાલિકાના વર્તમાન જજના નેતૃત્વમાં મગફળી કાંડનાં લેખાં-જોખાં થાય, તેની તટસ્થ તપાસ થાય તેવી કૉંગ્રેસ પક્ષની પુન: માગણી છે. તેમણે એવો ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે, નબળી ગુણવત્તાની મગફળી મળતિયાઓની  મિલોમાં પીલાવીને તે તેલ સરકારી દુકાનેથી વિતરણ કરવાનું મગફળી કાંડ-2નું ષડયંત્ર લઇને ભાજપ બજારમાં આવી રહી છે. 
વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની ખેડૂતવિરોધી નીતિને કારણે આજે ખેડૂત પાયમાલી તરફ ધકેલાઇ ગયો છે. ખેડૂતોમાં મોટી નિરાશા વ્યાપી છે. ખેડૂતોમાં વર્ગવિગ્રહ ફાટે તેવી સ્થિતિ ઊભી થઇ છે. ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં કરવેરા વધારવાના કારણે તેમના પર સતત બોજ વધી રહ્યો છે. ખેત ઓજારો પર જીએસટી વધારીને તેમના પર ભારણ વધાર્યું છે. આવી વિવિધ સમસ્યાઓ લઇને સતત સંઘર્ષ કરતો ખેડૂત આજે દેવાના બોજ તળે દબાઇને આત્મહત્યા કરી રહ્યો છે. 
વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે, સીઆઇડીની તપાસમાં પણ મગફળીનાં ગોદામોમાં આગના સમાન કારણોથી શંકા છે. સરકારે ઉતાવળે મગફળી વેચી દેવા પ્રયાસ કરે છે. હજુ હજારો ટન મગફળી ખેડૂતોના ઘરમાં પડી છે. ખેડૂતોના ઘરે પડેલી મગફળીથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ઓઇલ મિલોના વેપારીઓ સાથે સરકારે મિટિંગ કરી છે. તો વેપારીઓએ માલની ચકાસણી કરતા વીડિયો વાઈરલ થયો હતો. જેમાં મગફળીની જગ્યાએ માટી નીકળી હતી. સરકાર મગફળી કાંડ-2નું કૌભાંડ બજારમાં લાવી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer