આંતરરાષ્ટ્રીય `સ્વચ્છતા'' અધિવેશન સાથે ગાંધીજીની 150મી જન્મજયંતીનો પ્રારંભ થશે

 
70 દેશના પ્રધાનોને ગુજરાતની `ગાંધીયાત્રા' કરાવાશે
 
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 12 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીનો પ્રારંભ અત્રે યોજાનારી આંતરરાષ્ટ્રીય સેનિટેશન (સ્વચ્છતા) અધિવેશનમાં કરશે જેમાં 70 દેશોના પ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ પ્રધાનોને ગુજરાતની `ગાંધીયાત્રા' પણ કરાવવામાં આવશે.
`મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સેનિટેશન કન્વેન્શન'ના કાર્યક્રમો નવી દિલ્હી ખાતે 29 સપ્ટેમ્બરથી 2 અૉક્ટોબર સુધી યોજાશે અને ગાંધીજીની જન્મજયંતીના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ અધિવેશનને સંબોધશે અને આ અધિવેશનમાં 70થી 80 દેશોના પ્રધાનો હાજર રહેશે.
સરકાર આ અવસરનો ઉપયોગ તેના સ્વચ્છ ભારત કાર્યક્રમની સફળતાનું પ્રદર્શન કરવામાં કરશે. સરકારે 2 અૉક્ટોબર, 2014ના આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે સ્વચ્છતા કાર્યક્રમો વિષે વિશ્વના નેતાઓ પોતાના અનુભવો રજૂ કરશે.
આ અધિવેશનમાં યુરોપના દેશોના, અમેરિકાના અને બ્રિક્સ દેશોના વિદેશપ્રધાનો હાજર રહે એવી પૂરી સંભાવના છે.
આ નેતાઓને ગુજરાતની એક દિવસની યાત્રા પણ કરાવવામાં આવશે જ્યાં તેમને મહાત્મા ગાંધી સાથે સંકળાયેલાં સ્થળો ખાતે લઈ જવામાં આવશે.
આ અધિવેશન સાથે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણીનો પ્રારંભ થશે.
આ અધિવેશન પ્રવાસી ભારતીય કેન્દ્ર ખાતે યોજાશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer