નરેન્દ્ર મોદીએ યુવાનોને રોજગારીનાં માત્ર સપનાં જ બતાડયાં : રાહુલ ગાંધી

નરેન્દ્ર મોદીએ યુવાનોને રોજગારીનાં માત્ર સપનાં જ બતાડયાં : રાહુલ ગાંધી

ખેડૂતો મેઇક ઇન ઇન્ડિયાનું સપનું સાકાર કરવા સમર્થ પરંતુ સરકારને કદર નથી
 
મુંબઈ, તા.12 : દર વર્ષે બે કરોડ યુવાનોને નોકરી આપવાનું વચન નિભાવવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી નિષ્ફળ ગયા છે, એમ કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે મુંબઈમાં કાર્યકર્તાઓના સંમેલનમાં જણાવ્યું હતું. ગોરેગાંવના નેશનલ એક્ઝિબિશન સેન્ટરમાં બૂથ સ્તરના કાર્યકર્તાઓની મેદનીને સંબોધતા રાહુલ ગાંધીએ વર્ષ 2019માં આવનારી લોકસભાની ચૂંટણી માટે તૈયાર રહેવાનું આહ્વાન કરતા મોદી સરકાર પર વિવિધ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર અને મુંબઈ કૉંગ્રેસના નેતાઓ પણ હાજર હતા. રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાયા બાદ કૉંગ્રેસે કેન્દ્રની મોદી સરકાર અને મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે આચરેલા કથિત ભ્રષ્ટાચારની એક પુસ્તિકાનું વિમોચન કરાયું હતું અને મુંબઈમાં પાર્ટીના નગરસેવકો સાથે પણ રાહુલ ગાંધીએ બેઠક કરી હતી. 
ગાંધીએ કહ્યું હતું કે વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદીએ દર વર્ષે બે કરોડ યુવાવર્ગને નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું પરંતુ રોજગારી વધવાના બદલે ઘટી છે. ચીનમાં રોજગારી સાથે સરખામણી કરતાં ગાંધીએ કહ્યું હતું કે પડોશી ચીન રોજ 50 હજાર લોકોને રોજગારી આપી રહ્યું છે જ્યારે ભાજપના વડપણ હેઠળની મોદી સરકારના રાજમાં દેશમાં રોજ 450 લોકોને જ નોકરી મળે છે.
બૅન્કિંગ ક્ષેત્રે મોદી સરકારે લીધેલાં પગલાંને ખેડૂતોની સમસ્યા સાથે જોડતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદી સરકારે દેશના 15-20 અબજોપતિઓની અઢી લાખ કરોડ રૂપિયાની લોનો માફ કરી છે પરંતુ ખેડૂતોની કરજ માફીની કોઇ જ યોજના નથી.
સરકારની મેઇક ઇન ઇન્ડિયા યોજના પર આકરો પ્રહાર કરતા ગાંધીએ કહ્યું હતું કે સરકારનું મેઇક ઇન ઇન્ડિયાનું સપનું ખેડૂતો પોતાના લોહી અને પરસેવાથી સાકાર કરી રહ્યા છે પરંતુ તેની કોઇ કદર સરકારે નથી કરી. જો સરકાર ખેડૂતોને થોડીક પણ મદદ કરે તો આપણે ચીનની બરોબરી કરી શકીએ એમ છીએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer