ચિંતન શિબિર પછી શરૂ થયું 2019નું મનોમંથન : હવે નેતાઓ ગુજરાત ધમરોળશે

ચિંતન શિબિર પછી શરૂ થયું 2019નું મનોમંથન : હવે નેતાઓ ગુજરાત ધમરોળશે

ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા.12: ગુજરાત સરકારે `એન્ટિ ઇન્કમ્બન્સી' ખાળવા માટે ચિંતન શિબિર કરી અને લોકોની સમસ્યા નિવારવા માટે નવો નિર્ણય લીધો કે, સરકારના જી.આર.ને વળગીને કામ ન કરો, જેથી પ્રજાના કામ ઝડપથી થઇ શકે. નેતાઓ વધુને વધુ પ્રજાના સંપર્કમાં રહે જેથી કરીને પ્રજાલક્ષી કામો વધુ થઇ શકે.
આ ચિંતન શિબિર બંધબારણે કર્યા પછી અલગઅલગ જિલ્લાના પદાધિકારીઓ મારફતે પ્રજાનો મત જાણ્યા પછી ભાજપ હવે ઊંઘમાંથી સફાળું જાગ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી જ્ઞાતિવાર ઊભા થઈ રહેલા વિખવાદોના કારણે દલિત અને ઠાકોર સમાજમાં પડી રહેલી અંટસના કારણે ઉત્તર ગુજરાતમાં મોટું નુકસાન દેખાઇ રહ્યું છે.
તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્નો સતાવી રહ્યા છે. અધૂરામાં પૂરું કૉંગ્રેસ દ્વારા ખેડૂત આંદોલનનો કબજો લઇ લેવાતા ભાજપને પોતાની વોટ બૅન્કમાં ગાબડું પડવાની બીક છે. જનતા દળથી કૉંગ્રેસ અને ત્યાંથી બીજેપીમાં આવેલા ભાજપના સાંસદ લીલાધર વાઘેલાના પૌત્રને મનાવી કૉંગ્રેસમાં લાવવાનો પેંતરો ભાજપ માટે માથાના દુખાવા સમાન સાબિત થયો છે. કારણ કે 2014માં લોકસભા ઇલેક્શનમાં ભાજપને 12 ટકા વધુ વોટ મળ્યા હતા અને 26 બેઠકો પર જીત મળી હતી. એ પછી ત્રણ જ વર્ષમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે આ 12 ટકા વોટમાંથી નવ ટકા વોટ પરત લીધા છે અને 2012ની ચૂંટણી કરતાં 2.5 ટકા વોટ વધારે મેળવી 16 સીટ વધુ જીતી છે.
ભાજપને આની કળ વળે તે પહેલા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં ભિલિસ્તાન મોરચો નવી ચળવળ શરૂ કરી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ ધાર્યા કરતાં વધુ નારાજગી દેખાય છે અને ઉત્તર ગુજરાતમાં દલિત અને ઠાકોરના ઝઘડાને કારણે ઇમેજ ખરડાઇ રહી છે. આ તમામ પરિબળોને જોતા હવે ભાજપે કમલમમાં સવારે 10 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી મેરેથોન માટિંગ કરી. અહીં સભાઓ સંબોધવાનું અને કાર્યકરોને ફેસબુક અને ટ્વીટર પર ફોટા મૂકવાને બદલે જમીની સ્તરે કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી ચોમાસામાં સારો વરસાદ પડે તો વાંઘો ન આવે. જો વધુ વરસાદ પડે તો શું કામગીરી કરવી અને વરસાદ ન પડે તો શું કામગીરી કરવી તેના આયોજન માટે આગામી રણનીતિ ઘડવામાં આવી હતી.
ભાજપની પાર્લામેન્ટ બોર્ડમાં ચિંતન શિબિર બાદ શરૂ થયેલા મનોમંથન વિશે વાત કરતાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અત્યારે એન્ટિ ઇન્કમ્બન્સીને જોતા ભાજપ 26 સીટો જાળવી શકે તેમ લાગતું નથી. આઠેક સીટ પર કૉંગ્રેસ આગળ દેખાઇ રહી છે ત્યારે ભાજપે ઓબીસી અને આદિવાસી ઉપરાંત પટેલ વોટને પોતાની તરફ ખેંચવાનું નક્કી કર્યું છે. આ આયોજનમાં સફળ થવા માટે સંપર્ક અભિયાનના બહાને ગુજરાતમાં ઠાકોર, રબારી, દલિત, સમાજના લોકપ્રિય ગાયકો અને નાના નેતાઓને પોતાના પડખે લેવાનું આયોજન થઇ રહ્યું છે. જેથી નવેસરથી ભાજપની વોટ બૅન્ક ઊભી થાય. આ ઉપરાંત ફર્સ્ટ ટાઇમ વોટર્સને પણ આકર્ષવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. આની શરૂઆત ચોમાસા પછી ચોમાસાની મોસમમાં થશે. જેથી ભાજપથી વિમુખ થયેલા લોકો ભાજપમાં પાછા ફરી શકે.
બીજી તરફ કૉંગ્રેસના નેતા નિશિત વ્યાસ કહે છે કે, કૉંગ્રેસ લોકોના પ્રશ્નોને વાચા આપશે અને શેરી આંદોલનો કરશે. જેથી મોંઘવારી, પેટ્રોલ, શાકભાજીના વધતા ભાવ, મોંઘું શિક્ષણ અને બેરોજગારીનાં આંદોલનો કરશે જેથી લોકોમાં જાગૃતિ આવે.
કૉંગ્રેસ અને ભાજપ બંનેએ હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દીધી છે. બંને એડી ચોટીનું જોર લગાવી રહી છે. બંનેમાંથી કોનું આયોજન સફળ થાય છે તે તો આવનારો સમય જ કહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer