ટ્રમ્પ-કિમ વચ્ચે ઐતિહાસિક સમિટ સંપન્ન : કોરીઅન દ્વિપકલ્પના અણુ નિ:શત્રીકરણની સમજૂતી પર સહીસિકકા

ટ્રમ્પ-કિમ વચ્ચે ઐતિહાસિક સમિટ સંપન્ન : કોરીઅન દ્વિપકલ્પના અણુ નિ:શત્રીકરણની સમજૂતી પર સહીસિકકા

સિંગાપોર, તા. 12: સમગ્ર વિશ્વ ભારે આતુરતાભેર રાહ જોઈ રહ્યુ હતુ તેવી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઉન (3પ) વચ્ચે આજે અહીં ઐતિહાસિક સમિટ યોજાઈ હતી અને સમિટના અંતે કોરીઅન દ્વીપકલ્પનું અણુનિ:શત્રીકરણ કરવાના સર્વાંગી દસ્તાવેજ પર બેઉ નેતાઓએ  સહીસિકકા કર્યા સાથે ઈતિહાસ રચાયો હતો. બેઉ દેશો સ્થિર અને શાંતિપૂર્ણ શાસન ઉભું કરવાના સંયુકત પ્રયાસ માટે સંમત થયા હતા, જ્યારે વોશિંગ્ટન ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા (ડીપીઆરકે)ને સલામતી બાંહેધરી પૂરી પાડવા પ્રતિબદ્ધ થયું હતું. બેઉ નેતાઓ વચ્ચે ચીમકીઓ અને અપમાનોની લાંબો સમય ચાલેલી આપલે પછી આજની અભૂતપૂર્વ બેઠક બાદ ટ્રમ્પે જણાવ્યુ હતું કે બેઉ રાષ્ટ્રો નવો ઈતિહાસ રચવા ઈચ્છુક છે. અમે નવું પ્રકરણ લખવાને સજ્જ છીએ, ભૂતકાળ કંઈ ભવિષ્યની વ્યાખ્યા ન બની શકે તેવી ટ્રમ્પની ટકોરે, અણુ:નિશત્રીકરણ ખૂબ ઝડપભેર શરૂ થવાનો ચોકકસ સંકેત આપ્યો હતો. થોડા માસ પહેલા જે યોજાવી અંસભવ જણાતી હતી તેવી આજની બેઠક બેઉ નેતાઓના સંબંધોમાં આવેલા નાટયાત્મક બદલાવ દર્શાવે છે. બેઉ દેશો યુદ્ધકેદીઓના અવશેષો મેળવવા અને યુદ્ધ લડતા લાપતા થયેલાને એકમેકને પાછા સોંપવા ય દસ્તાવેજમાં સંમતિ થઈ છે. 
આ પહેલાં બેઉ નેતાઓ સિંગાપોરના સેન્ટોસા ટાપુ પરની કુશાંદે રીસોર્ટમાંની કેપેલા હોટેલ ખાતે એકમેકને પહેલી વાર મળ્યા અને હસ્તધૂનન કર્યુ. નાઈસ ટુ મીટ યુ મિ. પ્રેસિડન્ટ એ કિમના પ્રથમ શબ્દો હતા જવાબમાં ટ્રમ્પે જણાવ્યુ હતું કે એ મારુ સદભાગ્ય છે અને આપણી વચ્ચે મજબૂત સંબંધો રચાશે તે વિશે મને કોઈ શંકા નથી. તસવીરો પડાવ્યા બાદ ટ્રમ્પ અને કિમ વચ્ચે બંધબારણે વન-ટુ-વન સમિટ યોજાઈ હતી. એક કલાક ચાલેલા વાર્તાલાપ બાદ બેઉ નેતા મીટીંગ રુમમાં ગયા હતા, જ્યાં તેઓ સાથે પોતપોતાના દેશના સીનિયર અધિકારીઓ સામેલ થયા હતા. કિમ ટ્રમ્પને દુભાષિયા મારફત કહેતા હતા કે ઘણા લોકો એમ વિચારતા હશે કે તેઓ ફેન્ટસી, સાયન્સ ફિકશન મુવીમાંથી લેવાયેલું દૃશ્ય નિહાળી રહ્યા છે.
તે પછી બેઉ પક્ષકારોએ દ્વિપક્ષી વાટાઘાટ કરી હતી અને વર્કિંગ લન્ચ સહભાગી કર્યુ હતું. ભોજન બાદ બેઉ નેતાઓએ ટૂંકી લટાર મારી હતી.
શાંતિ અને સમૃદ્ધિ માટે બેઉ દેશોના પ્રજાના અરમાનો મુજબ નવા યુએસ-ડીપીઆરકે સંબંધો સ્થાપવા બેઉ દેશ પ્રતિબદ્ધ થયા હતા. ગઈ 18 એપ્રિલના પાનમુનજોમ ડિકલેરેશનને દોહરાવતાં ડીપીઆરકે કોરીઅન દ્વિપકલ્પના પૂર્ણ અણુનિ:શત્રીકરણ માટે કાર્યરત થવા વચનબદ્ધ થયા છે. બેઉ નેતાઓએ સહી કરેલી સંયુકત સમજુતી કઈ રીતે ધ્યેયો સાધવામાં આવશે તે તેની વિગતો નથી. અણુનિ:શત્રીકરણની વાટાઘાટની આગેવાની કઈ રીતે લેવાશે તે વિશે કોઈ સ્પષ્ટતા નહોતી. તેમ જ જે અણુશત્રના કાર્યક્રમે ઉ.કોરિયાના અર્થતંત્રને ખોડંગાવી નાખ્યું તેવા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો ય કોઈ ઉલ્લેખ દસ્તાવેજમાં ન હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer