મેટ્રો-3 : પારસી સમુદાયની આશા અને નજર આવતી કાલે હાઈ કોર્ટની સુનાવણી પર

મેટ્રો-3 : પારસી સમુદાયની આશા અને નજર આવતી કાલે હાઈ કોર્ટની સુનાવણી પર
 
અગિયારીની નીચેથી બોગદાં પસાર ન થવા જોઇએ
 
મુંબઈ, તા.12 : કોલાબાથી સીપ્ઝ વચ્ચેની પ્રસ્તાવિત ભૂગર્ભીય મેટ્રો-3નું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. દક્ષિણ મુંબઈમાં તોતિંગ બોરિંગ મશીનો દ્વારા અંડરગ્રાઉન્ડ ટનલ તૈયાર કરવાનું કામ પ્રિન્સેસ સ્ટ્રીટ તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે દેશના બિઝનેસ ક્ષેત્રે અગ્રેસર, ઉદ્યમી અને શાંતિપ્રિય પારસી સમુદાયે મેટ્રોના કામ સામે બાંયો ચડાવી છે. પારસી સમુદાયનું કહેવું છે કે મેટ્રો લાઇન-3 તેમની બે પવિત્ર અગ્નિ ધરાવતી અગિયારીની નીચેથી પસાર થવાની છે, ધર્મસ્થળની નીચેથી મેટ્રો પસાર થાય એ અયોગ્ય છે. 14 જૂન, ગુરુવારે બૉમ્બે હાઇ કોર્ટમાં પારસી સમુદાયની આ સંબંધી અરજીની સુનાવણી થવાની છે તેના પર પારસી સમુદાયની નજર અને આશા છે.
આઠમી જૂને પારસી ઇરાની ઝોરાષ્ટ્રીયન સમુદાયના એક હજારથી વધુ લોકો પાટકર સભાગૃહમાં મેટ્રો-3ના વિરોધમાં એકઠા થયા હતા અને મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) વિરુદ્ધ કાનૂની રાહે વિરોધ નોંધાવવાનું આ શાંતિપ્રિય સમુદાય દ્વારા નક્કી કરાયું હતું. પારસી સમુદાયને ભય છે કે અગિયારીની નીચેથી મેટ્રો લાઇનનાં બોગદાં તૈયાર થવાથી હેરિટેજમાં સમાવિષ્ઠ તેમનાં ધર્મસ્થળોને નુકસાન પહોંચશે અને તેમાં વર્ષોથી પૂજવામાં આવતાં પવિત્ર અગ્નિમાં વિક્ષેપ પડી શકે છે તેમ જ ધર્મસ્થળોની નીચે આવેલાં પાણીનાં પુરાતન કૂવાનાં પાણી પણ સુકાઇ જશે. અગાઉ પણ પારસી સમુદાયે આ સંબંધે કોર્ટમાં વિરોધ નોંધાવ્યો હતો પરંતુ મેટ્રો-3ના રૂટમાં કોઇ ફેરફાર નથી કરાયો, તેથી પારસી સમુદાયે હવે આ મુદ્દે બૉમ્બે હાઇ કોર્ટમાં કરાયેલી આ અરજીની વધુ સબળ રજૂઆત માટે કમર કસી છે. દેશભરમાં પારસીઓની વસતિ લગભગ 70,000ની છે, તેમાંથી મુંબઈમાં જ 40,000 પારસીઓ વસે છે અને શહેરના ઔદ્યોગિક વિકાસમાં પારસીઓનો ફાળો અદ્વિતીય છે, એ હકીકત છે. દેશના માતબર ઉદ્યોગો તેમ જ સખાવતી પ્રવૃત્તિમાં પારસી સમુદાય અગ્રેસર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer