બીમાર વાજપેયીના નામે રાજકારણ રમવાની રાહુલ ગાંધીની હરકત

બીમાર વાજપેયીના નામે રાજકારણ રમવાની રાહુલ ગાંધીની હરકત

અટલજીને `એમ્સ'માં જોવા હુંસૌ પ્રથમ ગયો હતો
 
મુંબઈ, તા. 12 : ભાજપમાં વરિષ્ઠ નેતાઓનું અપમાન થઇ રહ્યું છે એવો આક્ષેપ કરીને આજે મુંબઈ આવેલા કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને સોમવારે એઇમ્સ હૉસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમના ખબર અંતર જાણવા સૌથી પહેલો હું પહોંચ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં રાહુલે કહ્યું હતું કે મોદીજીએ તેમના ગુરુઓ માટે શું કર્યું ? આજે પણ પાર્ટીમાં લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષી જેવા પીઢ નેતાઓ સક્રિય છે, પરંતુ મોદીજી તેમની વાત પણ કાને નથી ધરતા, આવા મોટા નેતાઓને પાર્ટીએ માર્ગદર્શક મંડળમાં બેસાડી દીધા છે.
રાહુલે કહ્યું હતું કે પૂર્વ  વડા પ્રધાન વાજપેયીજી પ્રત્યે કૉંગ્રેસ આદરભાવ ધરાવે છે તેથી હું પોતે તેમના ખબર-અંતર જાણવા હૉસ્પિટલે ગયો હતો. ત્યાં મને જાણવા મળ્યું કે વાજપેયીની ખબર પૂછવા ભાજપના ટોચના એક પણ નેતા હજુ સુધી નથી આવ્યા. 
લગભગ એક વાગ્યે વાજપેયીને હૉસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર મળ્યા હતા અને સૌથી પહેલા રાહુલ ગાંધી પાંચ વાગ્યે હૉસ્પિટલે ગયા હતા.
જોકે, ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ એઇમ્સમાં આવ્યા હતા. રાહુલના આવાં વિધાનોને વખોડતાં ભાજપના નેતાઓએ કહ્યું હતું કે રાહુલ ગાંધી વાજપેયીજીની તબિયત જાણવા માટે ગયા હતા કે આવા મુદ્દે રાજકારણ રમીને સમાચાર માધ્યમોમાં ચમકવા માટે હૉસ્પિટલે ગયા હતા. 
દરમિયાન, નવી દિલ્હીના અહેવાલ અનુસાર વાજપેયીને જોઈને આવેલા ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ કહ્યું કે અટલજીની તબીયતમાં ધીરે-ધીરે સુધારો થઈ રહ્યો છે. જોશીએ એમ પણ કહ્યું કે જો અટલજી બોલી શકતા હોત તો આજની રાજકીય સ્થિતિ વિશે શું કહેતે?
અટલ સરકારમાં પ્રધાન રહેલા જોશીએ કહ્યુ કે કદાચ પ્રકૃતિએ તેમને એટલે ચુપ કર્યા છે કેમકે આજની રાજકીય સ્થિતિને જોતાં તેઓ શું કહી શકતે. અટલજીનો વાત કહેવાનો પોતાનો અલગ અંદાજ હતો અને તેઓ મોટામાં મોટી વાતને પણ સહજતાથી કહેવાની ક્ષમતા રાખતા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer