સ્ટાર્ટ અપ્સ માટે લિસ્ટિંગ આકર્ષક બનાવવાની સેબીની યોજના

નવી દિલ્હી, તા. 13 : શૅરબજારમાં સ્ટાર્ટ અપ્સ માટે લિસ્ટિંગને આકર્ષક બનાવવા સેબીએ એક પેનલની રચના કરી છે કે જે આવા લિસ્ટિંગને સરળ બનાવશે, હાલનું સંસ્થાકીય ટ્રેડિંગ પ્લેટફોર્મ ફ્રેમવર્ક અસરકારક કામગીરી બજાવવામાં નિષ્ફળ ગયું છે. હવે ગ્રુપ હાલના સંદર્ભમાં ઇન્સ્ટિટયૂશનલી ટ્રેડિંગ પ્લેટફોર્મ ફ્રેમવર્કની સમીક્ષા કરશે અને કોઈ બાબતમાં વધારે ફેરફાર કરવાની જરૂર હોય તો તેને ઓળખશે. ઉપરાંત ફ્રેમવર્કને લગતાં અન્ય કોઈ પણ મુદ્દાની પણ આકારણી કરવામાં આવશે.  ગ્રુપે એક મહિનામાં તેનો અહેવાલ સેબીને સુપ્રત કરવાનો રહેશે. 2015માં નવા યુગની કંપનીઓને લિસ્ટિંગની સુવિધા આપવા માટે આઈટીપી ફ્રેમવર્કની રચના થઈ હતી. તેમાં ઇ-કોમર્સ, ડેટા એનાલિટિક્સ, બાયો ટેક્નૉલૉજી અને અન્ય સ્ટાર્ટ અપ્સનો સમાવેશ થાય છે.  આ ફ્રેમવર્કની કામગીરી અસરકારક ન રહેવાથી સેબીએ નવા જૂથની રચના કરી છે. જેમાં ઇન્ડિયન સોફ્ટવેર પ્રોફિટ ઇન્ડસ્ટ્રી રાઉન્ડટેબલ, ધી ઇન્ડસ આંત્રપ્રિન્યોર્સ, ઇન્ડિયન પ્રાઈવેટ ઇક્વિટી ઍન્ડ વેન્ચર કેપિટલ એસોસિએશન, કાનૂની પેઢીઓ, મર્ચન્ટ બૅન્કર્સ અને સ્ટોક એકસ્ચેન્જોનો સમાવેશ થાય છે.   સ્ટાર્ટ અપ્સ માટે અનુકૂળ વાતાવરણ સર્જવા નિયમનકાર સક્રિય છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer