વરલીના SRA પ્રોજેક્ટને બે દાયકા બાદ મંજૂરી

મુંબઈ, તા. 13 : વરલીના મોકાના વિસ્તારમાં લગભગ બે દાયકાથી અટકી પડેલા સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને આખરે મંજૂરી આપવામાં આવી છે. આશરે અડધી સદીથી વરલી સિ-ફેસ નજીક 17,000 ચો. ફૂ.ની જમીન વસવાટ કરનારા 100 જેટલા પરિવારોને રાહત આપતાં બોમ્બે હાઈ કોર્ટે આ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ રદ કરવાના હાઈ-પાવર્ડ કમિટીના આદેશને તાજેતરમાં ફગાવી દીધો હતો, જેને 1999માં પ્રારંભિક મંજૂરી અપાઈ હતી.  `રેકર્ડસ દર્શાવે છે કે અંદાજે 47 ઝૂંપડાવાળાએ તેમની જગા ખાલી કરી દીધી હતી. ડેવલપર્સે ઝૂંપડા તોડવાનો આરંભ કર્યો છે,' એમ જસ્ટિસ રણજિત મોરે અને જસ્ટિસ સાધના જાધવની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું. `આ યોજનાને 1999માં મંજૂરી પ્રાપ્ત થવા છતાં એક યા બીજા કારણસર તેમાં કોઈ પ્રગતિ થઈ નહતી.  અમારા મતે ઝૂંપડાવાસીએ ગંદકીભર્યા વાતાવરણમાં હવે રહેવું જોઈએ નહીં', એમ જજેએ જણાવ્યું હતું.  દરમિયાન બેન્ચે સ્લમ રિહેબિલિટેશન અૉથોરિટીના સીઈઓને આ જમીનના રિડેવલપમેન્ટ માટે જરૂરી પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer