માહિમ દરગાહ ગુરુવારે `પવિત્ર કુરાન'' પ્રદર્શિત કરશે

માહિમ દરગાહ ગુરુવારે `પવિત્ર કુરાન'' પ્રદર્શિત કરશે
મુંબઈ, તા. 13 : માહિમ દરગાહમાં ગુરુવાર, 14મી જૂનની રાત્રે સંત હઝરત મખદૂમ અલી માહિમીએ લખેલા `પવિત્ર કુરાન'ને પ્રદર્શિત કરવામાં આવશે. આ વાર્ષિક કાર્યક્રમ ગુરુવારે રાત્રે 10થી શુક્રવાર, સવારે 1.45 સુધી યોજવામાં આવશે.  હઝરત મખદૂમ અલી માહિમી (1372થી 1431 એ.ડી.)ની ગણના મુંબઈમાં `સંત' તરીકે થાય છે અને માહિમ દરગાહમાં નાત-જાતના ભેદ સિવાય તમામ ધર્મના લોકો આવે છે.  અમે તેને મખદૂમ શાહ બાબા દ્વારા લખવામાં આવેલી ઝિયારત ગણીએ છીએ અને તે દર વર્ષે રોજાના 28મા કે 29મા દિવસે પદર્શિત કરવામાં આવે છે. આ પ્રથા છેલ્લાં 50 વર્ષથી ચાલી આવી હોઈ એવું મનાય છે કે 630 વર્ષ પહેલાં સંતે આ કુરાન લખ્યું હતું.  `તેમણે કેટલાક પર્સિયન શબ્દોની વિગતવાર સમજણ સાથે અરેબિકમાં આ કુરાન લખ્યું હતું. આટલી જૂની પ્રત હોવા છતાં તેનો કાગળ ખરાબ થયો કે ફાટયો નથી અને ખૂબ જ સારો લાગે છે જે એક ચમત્કાર છે,' એમ પીર મખદૂમ સાહેબ ચેરીટેબલ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી સોહેલ ખંડવાનીએ જણાવ્યું હતું.  દરમિયાન સાડા ત્રણ દાયકા બાદ આ વર્ષે શ્રીનગરમાં એક મોટું રમજાન પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શનમાં જમ્મુ સ્થિત એક હિન્દુ વેપારીના દુર્લભ કુરાનોના સંગ્રહ સહિત અમુક જવલ્લે જ જોવાં મળતી વસ્તુઓ પ્રદર્શિત કરાઈ છે. સુરેશ ઓબરોલ છેક 300 કિ.મી.ના અંતરેથી શ્રીનગરમાં તેમનો પારિવારિક ખજાનો લઈને આવ્યા છે જેમાં ઘેટાં-બકરાં અને વાછરડાંની ખાલ પર સુડોળ અક્ષરમાં લખાયેલી કુરાનની આયાતો સહિત કપડું અને કાગળ પર લખાયેલી આયાતોનો સમાવેશ થાય છે. સુરેશ ઓબરોલ જણાવે છે કે મારા પરદાદા સંગ્રાહક હતા અને તેમણે બે દુર્લભ કુરાન મેળવ્યા હતા. એક કુરાન 1#5 ફૂટના કપડાંના કટકા પર લખાયેલું છે અને બીજું સો વર્ષ પૂર્વે 4.5#5.5 ફૂટની કાગળની શીટ પર લખાયેલું છે. તેમણે 40 કેલિગ્રાફ (સુડોળ અક્ષરમાં લખાયેલી) કૃતિઓ પણ મેળવી હતી. આ પ્રથમ વખત અમે રમજાન માટે આ કળાકૃતિઓને પ્રદર્શિત કરી છે. આ કળાકૃતિઓને પ્રદર્શિત કરનારો પરિવાર એક સમયે ડોગરા મહારાજા ગુલાબ સિંઘના મહેલોની દેખરેખ કરતો હતો. આ સંગ્રહમાં પાંચ હજાર હસ્તપ્રતો, 25 કિલો જ્વેલરી, 950 મિનિએચર્સ (તદ્દન નાના કદનાં ચિત્રો) અને ગુરુ નાનકના બે પ્રવચનોનો સમાવેશ થાય છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer