ઇંગ્લૅન્ડની યંગબ્રિગેડ જીતના લક્ષ્યાંક સાથે મેદાને પડશે

આજે ટયુનિશિયા સામે ટક્કર થશે  વોલ્ગોગ્રાડ, તા.17: પાછલાવર્લ્ડ કપમાં ગ્રુપ તબક્કામાં અને યૂરો કપમાં બીજા રાઉન્ડમાં બહાર થઇ જનાર ઇંગ્લેન્ડની ટીમ આ વખતે ફીફા વર્લ્ડ કપમાં ગ્રુપ જીમાં પોતાના અભિયાનની શરૂઆત ટયૂનિશીયા વિરૂધ્ધથી કરશે. ત્યારે ઇંગ્લેન્ડની નજર જીત સાથે શરૂઆત કરવા પર રહેશે. આ વખતે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ સૌથી યુવા છે. ટીમના મુખ્ય કોચ ગેરેથ સાઉથગેટને પૂરો ભરોસો છે કે તેના યુવા ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરશે. ઇંગ્લેન્ડની ટીમમાં આ વખતે કોઇ મોટું નામ નથી, પણ ખેલાડીઓની ટીમ સ્પીરીટ સારી છે. વર્લ્ડ કપ પૂર્વેના અભ્યાસ મેચમાં કોસ્ટા રિકા અને નાઇજીરિયા સામેના વિજયથી ઇંગ્લેન્ડની ટીમનો નૈતિક જુસ્સો ઉંચો છે. ઇંગ્લેન્ડ પાસે અનેક આક્રમક ખેલાડી છે.   બીજી તરફ ટયૂનિશીયાની વાત કરીએ તો તે પાંચમો વર્લ્ડ કપ રમી રહી છે. તે કયારે પણ ગ્રુપ તબક્કાથી આગળ વધી નથી. તેની નજર આ વખતે આ બાધા પાર કરવા પર રહેશે. તેને વર્લ્ડ કપના 12 મેચમાં ફકત એક મેચમાં જ જીત નસીબ થઇ છે. જે તેને 1978ના વર્લ્ડ કપમાં મેક્સિકો વિરૂધ્ધ મળી હતી. આમ તેને વર્લ્ડ કપમાં ત્રણ દાયકથી જીતની તલાશ છે. જે તે આ વખતે પૂરી કરવા માંગે છે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer