ખરાબ વ્યવહાર કરતાં સંતાનોને સંપત્તિમાં હિસ્સો નહીં : હાઈ કોર્ટ

ખરાબ વ્યવહાર કરતાં સંતાનોને સંપત્તિમાં હિસ્સો નહીં : હાઈ કોર્ટ
મુંબઈ, તા. 17 : પુત્ર દ્વારા થતાં અપમાનને અને ખરાબ વર્તણૂકને પગલે પિતા તેને સ્થાવર મિલકતમાં હિસ્સો આપવાનું નકારી શકે છે, એમ મુંબઈ વડી અદાલતે જણાવ્યું છે.  નટવરલાલ કેશવલાલ સંઘવીના પત્નીનું વર્ષ 2014માં અવસાન થયું પછી તેમણે પુનર્લગ્ન કર્યા હતા. પુનર્લગ્ન પહેલાં તેમના પુત્ર પ્રીતેશ સંઘવી અને તેની પત્નીએ નટવરલાલ સંઘવીને અંધેરીમાં બ્રુકીલીન હિલ્સ સોસાયટીમાંના ફ્લૅટનો હિસ્સો પોતાના નામે કરી દેવાની વિનંતી કરી હતી. તેમ કર્યા પછી પ્રીતેશ સંઘવી મારી સાથે ખરાબ વ્યવહાર કરે છે એમ જણાવીને નટવરલાલ સંઘવી અને તેમનાં બીજા પત્ની ઘર છોડીને ભાડે રહેવા ગયાં હતાં. થોડા માસ પછી નટવરલાલ સંઘવીએ પેરેન્ટસ ઍન્ડ સિનિયર સિટિઝન લોની કલમ પાંચ અને 23 અનુસાર મુંબઈ ઉપનગર જિલ્લાના કલેક્ટરને પત્ર લખીને પુત્ર પાસેથી ફ્લૅટ પાછો લેવા અરજી કરી હતી. બાદમાં ગત માર્ચમાં કલેક્ટરે નટવરલાલ સંઘવીની વિનંતી માન્ય રાખી હતી.  તેથી પ્રીતેશ સંઘવીએ કલેક્ટરના આદેશને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. તે અંગે ન્યાયાધીશો રણજિત મોરે અને અનુજા પ્રભુ દેસાઈએ જણાવ્યું હતું કે નટવરલાલ સંઘવી અને તેમના બીજા પત્નીની દેખભાળ પ્રીતેશ સંઘવી અને તેની પત્નીએ કરવી જોઈએ. ફ્લૅટનો 50 ટકા હિસ્સો પ્રીતેશ સંઘવીના નામે કરવામાં આવ્યો પછી દેખભાળ કરવી જરૂરી છે. આ સંજોગોમાં કલેક્ટરે આપેલો આદેશ યોગ્ય છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer