કપાસના ટેકાના ભાવમાં વધારો અને વરસાદથી વાવેતર સુધરશે

કપાસના ટેકાના ભાવમાં વધારો અને વરસાદથી વાવેતર સુધરશે

પુણે, તા. 11 : કપાસના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) વધવાથી અને ગયા સપ્તાહે સંતોષજનક વરસાદ થતાં કપાસના વાવેતરને પ્રોત્સાહન મળશે અને ગયા વર્ષના વાવેતર વિસ્તારનો લગભગ 10 ટકા ઘટાડો સરભર થઈ જશે એવી અપેક્ષા છે.
કૃષિ મંત્રાલયે રજૂ કરેલી માહિતી મુજબ પાંચ જુલાઈ સુધીમાં કપાસનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ લગભગ 25 ટકા જેટલું પાછળ છે. આ વર્ષે કપાસનું વાવેતર ગયા વર્ષના સમાન ગાળાના 73.02 લાખ હેકટરની તુલનાએ 54.60 લાખ હેકટરમાં થયું છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગણા, પંજાબ, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં કપાસનું વાવેતર ઓછું થયું છે, જ્યારે હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વાવેતર વિસ્તાર વધ્યો છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ મધ્યમ અને લાંબા તારના કપાસ ટેકાના ભાવમાં અનુક્રમે 28.11 ટકા અને 26.16 ટકાનો વધારો જાહેર કર્યો છે.
જો કપાસના ટેકાના ભાવમાં વધારો કર્યો ન હોત તો ખેડૂતોએ ઓછા વિસ્તારમાં વાવેતર કર્યું હોત, કેમ કે ગયા વર્ષે કપાસના પાકમાંથી મળેલા વળતરથી તેઓ નારાજ છે, એમ કોટન એસોસિયેશન અૉફ ઈન્ડિયા (સીએઆઈ)ના પ્રમુખ અતુલ ગણાત્રાએ કહ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer