ડૉલરમાં તેજીથી સોનામાં નરમાઈનો દોર

ડૉલરમાં તેજીથી સોનામાં નરમાઈનો દોર

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 11 : ડૉલરમાં તેજીની કૂચ જારી રહેવાથી સોના-ચાંદી ઉપર દબાણ હતું. ટ્રમ્પ શાસને મંગળવારે વધુ 200 અબજ ડૉલરના ચાઇનીઝ માલ ઉપર 10 ટકા જકાત નાંખવાની જાહેરાત કરી હતી. ગયા અઠવાડિયામાં ચીનના 34 અબજ ડૉલરના માલ ઉફર વૉશિંગ્ટને 25 ટકા જકાત નાંખી છે. એ પછી ચીને પણ જકાત નાંખી દીધી હતી. જોકે, હવે અમેરિકાનું વલણ થોડું કૂણું પડયું હોય તેમ લાગે છે એટલે ડૉલરના મૂલ્યમાં સુધારો થયો છે. ડૉલરની અસરથી સોનું 1251 ડૉલરની સપાટીએ રનિંગ હતું. સોમવારે કડાકો સર્જાયા પછી બે દિવસથી સોનું અથડાઇ રહ્યું છે. ચલણ બજારમાં ચાઇનીઝ યુઆન પણ ડૉલર સામે તૂટયો હતો. 11 મહિનાની તળિયાની સપાટીએ યુઆન પહોંચ્યો હતો.
હવે વેપારયુદ્ધની સ્થિતિ હળવી થાય તેવી શક્યતા દેખાઇ રહી છે. જો માહોલ શાંત થઇ જાય તો સોનામાં વેચવાલીનો દોર છૂટશે, તેમ અભ્યાસુઓ કહે છે. 1250 ડૉલરની સપાટી સોનું જાળવી શકે તે આવશ્યક છે. તેની નીચે જાય તો 1237 સુધી ઘટાડાની સંભાવના દેખાય છે. 1268 ડૉલર ઉપર જાય તો જ તેજી આવશે. એસપીડીઆર ગોલ્ડ ફંડે મંગળવારે વધુ વેચાણ કરતા જથ્થો 0.22 ટકા ઘટીને 799.02 ટન રહ્યો હતો.
રાજકોટમાં 24 કેરેટ શુદ્ધતા ધરાવતું સોનું 10 ગ્રામદીઠ રૂા.30ના ઘટાડામાં રૂા. 31,350 હતું. મુંબઈ સોનું રૂા. 10વધી રૂા. 30,530 હતું. ન્યૂ યોર્કમાં ચાંદી ઔંસદીઠ 15.90 ડૉલરના સ્તરે સ્થિર રહી હતી. રાજકોટમાં એક કિલોનો ભાવ રૂા. 50ના સુધારા સાથે રૂા. 39,950 હતો. મુંબઈ ચાંદી રૂા. 25 વધી જતા રૂા. 39,130 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer