ટીસીએસના સથવારે શૅરબજારો ગ્રીન ઝોનમાં બંધ થયાં

ટીસીએસના સથવારે શૅરબજારો ગ્રીન ઝોનમાં બંધ થયાં

નિફટી 11000ની સપાટીને પાર કરશે એવી સમીક્ષકોની ધારણા

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : શૅરબજારમાં બે દિવસથી ચાલુ રહેલી સટ્ટાકીય તેજીને આજે બ્રેક લાગી હતી. સ્થાનિકમાં જૂન, '18નો ફુગાવો વધવાના સંકેત અને ચીન-અમેરિકાની ટ્રેડવૉર વધુ આકરી થવાના સંકેતની માઠી અસરના પ્રાથમિક સંકેત જણાયા છે. જેથી બજારની વધઘટ આજે પ્રમાણમાં ઓછી રહી છે. વૈશ્વિક બજારમાં મેટલના ભાવ તૂટવા સાથે ક્રૂડતેલ પુન: મજબૂત બનવાના સંકેતથી પણ રોકાણકારો અને સટોડિયાઓએ નવી ઊંચી લેવાલીને વિરામ આપ્યાનો સંકેત છે. જેથી એનએસઈમાં નિફટીના 30 શૅર ઘટવા સાથે 20 સુધારે હતા. નિફટી આજે 10976 સુધી જ ઉપર ગયા પછી 10923ના તળિયે પછડાયો હતો અને માત્ર 1 પૉઈન્ટના નગણ્ય સુધારે 10948ના સ્તરે બંધ રહ્યો હતો. આ સુધારો ટકવામાં ગઈકાલે ટીસીએસના અત્યંત મજબૂત પરિણામથી આઈટી શૅરોના સુધારે ટેકો આપ્યો હતો. બીએસઈ સેન્સેક્ષ અગાઉના બંધથી માત્ર 26 પૉઈન્ટ સુધરીને 36265ના સ્તરે બંધ રહ્યો હતો. ટીસીએસનો ભાવ આજે પાંચ ટકા ઊછળી વિક્રમી સૌથી ઊંચી ભાવસપાટીએ 1970ના સ્તરે ઓલટાઈમ હાઈ આવ્યો હતો.
અમેરિકાએ ચીનના 200 અબજ ડૉલરના મર્ચેન્ડાઈઝડની આયાત પર ટેરિફ વધારવાના કરેલા હુકમથી એશિયન બજારનું મોરલ ખરડાયું હોવાની સીધી અસર ભારતના બજારે ઝીલી હોવાનું સ્થાનિક જાણકારો માને છે. ઉપરાંત અગાઉ જણાવી ગયા પ્રમાણે હવે કોર્પોરેટ પરિણામની અસરથી પણ બજારની વધઘટ સંચાલિત થવાની સંભાવના હોવાથી બજાર આજે ટૂંકી વધઘટે અથડાયું હતું. વૈશ્વિક રોકાણકારો હવે અમેરિકાની ટ્રેઝરી અને યેનમાં ઘટેલા ભાવે રોકાણ તરફ આકર્ષાયા હોવાનો પણ કેટલાકનો અભિપ્રાય છે.
દરમિયાન સ્થાનિક બજારમાં આજે આઈટી માંધાતા ટીસીએસના કારણે બજાર નકારાત્મક બંધથી બચી ગયું હતું. ટીસીએસનો નફો 23 ટકા વધીને રૂા. 7362 કરોડ આવતા આઈટી શૅરો ઈન્ફોસીસ, એચસીએલ ટેક્નૉલૉજી સહિતમાં નવી લેવાલીથી બજારને ટેકો મળ્યો હતો. જોકે, નોમુરાએ ટીસીએસનો ભાવિ લક્ષ્યાંક 2018નો (સરેરાશ ભાવ) રૂા. 1440 જાળવ્યો છે. અન્ય સંસ્થા જેફરીએ ભાવ સુધારીને રૂા. 2140 કર્યો છે. જ્યારે સ્થાનિકમાં શૅરનો ભાવ રૂા. 1991ની ટોચે જઈને ટ્રેડ અંતે 1970 બંધ રહ્યો હતો.
દેશના અૉટો ક્ષેત્રના વેચાણના આંકડા સતત બે મહિના દરમિયાન પ્રોત્સાહક આવવાથી વાહન શૅરોમાં વ્યક્તિગત પસંદગીના શૅરમાં નવી લેવાલી જોવાઈ હતી. જેથી બજાજ અૉટો રૂા. 75 સુધર્યો હતો. જોકે મારુતિ સુઝુકીમાં રૂા. 140નો નોંધપાત્ર ઘટાડો અને તાતા મોટર્સ રૂા. 5 ઘટયા હતા. એફએમસીજી માંધાતા એચયુએલ રૂા. 30, આરઆઈએલ રૂા. 14, ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 17, કોટક બૅન્ક રૂા. 16 અને એક્સિસ બૅન્કનો ભાવ રૂા. 4 સુધર્યો હતો. જેની સામે ગઈકાલે તેજીના પવને ઉછળેલા એચડીએફસી આજે રૂા. 17 ઘટયો હતો. ડૉ. રેડ્ડીસ લેબોરેટીસ રૂા. 23 અને ગ્રાસીમ અને સિપ્લા અનુક્રમે રૂા. 13 અને રૂા. 9 ઘટયા હતા.
આમ છતાં મની કન્ટ્રોલના અહેવાલ પ્રમાણે કેટલાક એનલિસ્ટોના મતે નિફટીમાં બુલિશ પેટર્નથી થોડા કન્સોલિડેશન પછી સૂચકાંક 11000ની સપાટી સ્પર્શી શકે છે. જેની સામે સ્થાનિક બજારના અનુભવી બ્રોકરો નવી લેવાલી અગાઉ વૈશ્વિક બજારો, અમેરિકાના વલણ, ક્રૂડતેલ અને ભારતની રાજકીય સ્થિતિના મૂલ્યાંકનની સમીક્ષાની ભલામણ કરે છે. જેથી નિફટીમાં હવે 10702-10720ના સપોર્ટ લેવલ ટકવા અતિ મહત્ત્વપૂર્ણ બનશે.
વૈશ્વિક બજારો
અમેરિકા અને ચીનની ટ્રેડવૉર આગળ વધી છે. અમેરિકાએ ચીનની 200 અબજ ડૉલરની ચીજો પર ટેરિફ વધારી છે. જેથી એશિયા પેસિફિક બ્રોડેકસ ઈન્ડેકસ એમએસસીઆઈ આજે 0.4 ટકા ઘટયો હતો. જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1 ટકા અને જપાનનો નિક્કી 1.2 ટકા ઘટાડે રહ્યો હતો. જોકે, વોલસ્ટ્રીટ એસએન્ડપી સતત ચોથા સેશનમાં 9.67 પૉઈન્ટ વધીને 1 ફેબ્રુઆરી, '18ના ઊંચા સ્તરે કવોટ થયો હતો. જ્યારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ 143 પૉઈન્ટ અને નાસ્દાક 3 પૉઈન્ટ સુધર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer