નાણારના મુદ્દે શિવસેનાનું અક્કડ વલણ


વિધાનસભામાં કૉંગ્રેસ અને શિવસેનાના સભ્યોનો રાજદંડ આંચકી લેવાનો પ્રયત્ન

નાગપુર, તા. 11 (પીટીઆઈ) : કોંકણમાં નાણાર રિફાઈનરીના મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ વધી રહી છે. નાણાર રિફાઈનરીના મુદ્દે વિધાનસભામાં આજે ધાંધલધમાલભર્યાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. શિવસેના અને કૉંગ્રેસના સભ્યોએ સ્પીકરનો રાજદંડ ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્પીકરના સ્ટાફે વિધાનસભ્યોને તે ઉપાડી જતા રોક્યા હતા. નાણાર રિફાઈનરી અંગે ગૃહમાં સર્જાયેલી અરાજકતાને પગલે સ્પીકર હરિભાઉ બાગડેએ ગૃહની બેઠક દિવસ પૂરતી મુલતવી રાખી હતી.
આજે ગૃહની બેઠક શરૂ થઈ પછી તુરંત જ સુનીલ પ્રભુ (શિવસેના)એ માગણી કરી હતી કે અમારે નાણાર પ્રકલ્પના વિરોધ માટેના મોરચામાં સામેલ થવાનું હોવાથી અમને પહેલા બોલવાની પરવાનગી આપવી જોઈએ. કૉંગ્રેસના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલે શિવસેનાની આ માગણીનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે વિપક્ષોએ આ મુદ્દે સભામોકૂફીની દરખાસ્ત રજૂ કરી દીધી છે. ખેડૂતો વિશેની ચર્ચા અંગે કૃષિ રાજ્યપ્રધાન સદાશિવ ખોત ઉત્તર આપે પછી તુરંત જ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના સભ્યોને બોલવાની પરવાનગી આપવામાં આવે. વિખે-પાટીલને રાષ્ટ્રવાદીના અજિત પવારે ટેકો આપ્યો હતો. આમ છતાં શિવસેના સભ્યોએ માગણીના સમર્થનમાં નારાબાજી કરવાની શરૂઆત કરી હતી અને તેઓ ગૃહની મધ્યમાં ધસી ગયા હતા. મહારાષ્ટ્રમાં સત્તામાં ભાગીદાર પક્ષ શિવસેનાના સભ્યો દ્વારા ગૃહની કાર્યવાહી ખોરવી નાખવા અંગે અજિત પવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
કૉંગ્રેસના નીતેશ રાણેએ જણાવ્યું હતું કે હું સ્થાનિક વિધાનસભ્ય છું અને મારા પક્ષે સભામોકૂફીની દરખાસ્ત સોંપી છે. તેથી પહેલા મને બોલવાની પરવાનગી આપવી જોઈએ.
 શિવસેના, કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદીના સભ્યો શાંત નહીં પડતા સ્પીકર બાગડેએ ગૃહની બેઠક મુલતવી રાખી હતી.
આ પ્રકારે ચાર વખત ગૃહની બેઠક મુલતવી રાખવી પડી હતી. બાદમાં ગૃહની બેઠક મળી ત્યારે કૉંગ્રેસના નીતેશ રાણે અને શિવસેનાના રાજન સાળવી અધ્યક્ષની બેઠક પાસે પહોંચી ગયા હતા. તેઓએ રાજદંડ ખેંચી જવાનો પ્રયત્ન કર્યો હતો, પણ કર્મચારીઓએ તે પકડી રાખ્યો હોવાથી તેને ઉઠાવી જઈ શકાયો નહોતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer