નેટ ન્યૂટ્રાલિટીને મંજૂરી : ઈન્ટરનેટના ઉપયોગમાં નહીં થાય ભેદભાવ


ઈન્ટરનેટ સેવા લેનારા ગ્રાહક પાસેથી અન્ય વેબ સુવિધા માટે રૂપિયા વસૂલવા ઉપર પ્રતિબંધ 
 
નવી દિલ્હી, તા. 11 : સરકારે દેશમાં નેટ ન્યૂટ્રાલિટીને મંજૂરી આપતા હવે દેશમાં કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ઈન્ટરનેટની ઉપલબ્ધતા તમામ લોકો માટે જારી રહેશે. કેન્દ્રએ કરેલા આદેશમાં નિયમોના ઉલ્લંઘન બદલ દંડની પણ ચેતવણી આપી છે. કેન્દ્રના આદેશ બાદ ઈન્ટરનેટ ઉપર કોઈપણ પ્રકારના ભેદભાવની  સંભાવના દૂર થઈ છે. કારણ કે હવે મોબાઈલ ઓપરેટર્સ, ઈન્ટરનેટ પ્રોવાઈડર્સ અને સોશિયલ મીડિયા કંપની ઈન્ટરનેટ ઉપર કોન્ટેન્ટ અને સ્પીડ બાબતે પક્ષપાત ભર્યું વલણ રાખી શકશે નહી. 
આ ઉપરાંત કેન્દ્રના આદેશથી કંપનીઓ માત્ર પસંદગીની વેબસાઈટ અને સર્વિસ જ મફતમાં આપવાની યોજના ઘડી શકશે નહી. ટેલિકોમ સચિવ અરુણા સુંદરરાજને કહ્યું હતું કે, ઈન્ટર મિનિસ્ટ્રિયલ કમિશનની બેઠકમાં નેટ ન્યૂટ્રાલિટીને મંજૂરી આપવામાં આવી હતી અને તત્કાળ પ્રભાવથી તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયને સકારાત્મક ગણવામાં આવે છે. કારણ કે હવે કોઈપણ ઓપરેટર, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ટેલિકોમ ક્ષેત્રમાં પોતાનો ઈજારો સ્થાપી શકશે નહી. નેટ ન્યુટ્રાલિટી એટલે ઈન્ટરનેટ સેવા આપતી કંપની તરફથી કોઈપણ ભેદભાવ વિના તમામ વેબ આધારીત સેવા મેળવવાની આઝાદી. જેવી રીતે એક વખત સેવા લેવાથી લોકો કોઈપણ સ્થળે કોલ કરી શકે છે. તેમ જ ઈન્ટરનેટનો ઉપયોગ કોઈપણ વેબ સેવા લેવા માટે કરી શકાશે અને તેના ઉપર કંપની ચાર્જ લગાડી શકશે નહી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer