ક્રૂડ અૉઇલના ભાવ ઘટાડવા ભારતની ઓપેકને ચીમકી


અમારું ક્રૂડ ભારત ઘટાડશે તો વિશેષ લાભ બંધ : ઇરાન
 
નવી દિલ્હી/તહેરાન, તા.11: ક્રૂડ ઓઇલના ભાવ સતત વધતા હોઇને ભારતે તેલ ઉત્પાદક દેશોને ચેતવણી આપતાં કહ્યું છે કે કાં તો તમારે ભાવ ઘટાડવા પડશે અથવા માગમાં ઘટાડા માટે તૈયાર રહેવું પડશે. દુનિયામાં ક્રૂડ ઓઇલની સૌથી વધુ માગવાળા દેશોમાંહેના એક ભારતે ઓપેક દેશોને કહ્યું છે કે તમારે ભાવ ઘટાડવા જોઇએ નહીંતર માગમાં ઘટાડા માટે તૈયાર રહેવું જોઇએ.
ઇન્ડીયન ઓઇલના ચેરમેન સંજીવ સિંહે કહ્યું હતું કે ઓઇલના ભાવ વધતા જ રહેશે તો ભારતના ઉપભોક્તાઓએ વૈકલ્પિક માર્ગ શોધવો પડશે. ગ્રાહકો ઇલેક્ટ્રિક વાહનો અને ગેસ જેવા વિકલ્પો શોધવા લાગશે.ભારતમાં દરરોજ 10 લાખ બેરલ ઓઇલનો વપરાશ છે.
આ દરમ્યાન ઇરાને ભારતને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો ભારત અમારી પાસેથી મેળવતા ક્રૂડ ઓઇલના જથ્થાને ઘટાડશે તો ભારતને અમે આપેલ ``િવશેષ દેશ''નો દરજ્જો પાછો ખેંચાઈ શકે છે. આ ઉપરાંત રણનીતિના મુદ્દા ઉપર ખુબ જ અગત્યના ગણાય તેવા ઇરાનના ચાબહાર પોર્ટમાં ભારતના રોકાણમાં થતાં ઘટાડા અંગે પણ ઇરાને ચેતવણી આપી છે.
ઇરાનના ઉપ રાજદૂત મસુદ રેજવાનિયન રાહાગીએ જણાવ્યું હતું કે  એ બાબત ઘણી કમનશીબીભરી છે કે ભારતે ચાબહાર પોર્ટના વિસ્તરણ અને કનેકટીવીટી પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે કરેલા વાયદા હજુ સાકાર નથી થયા.
ચાબહાર બંદર ભારત, ઇરાન અને અફઘાનિસ્તાન માટે મધ્ય એશિયાના દેશો સાથે વેપાર કરવા માટે રણનીતિના મુદ્દે ખુબજ અગત્યનું છે. આથી 2016માં આ ત્રણેય દેશો એ ચાબહાર પોર્ટને વિકસાવવા માટે કરાર કર્યા હતાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer