`ભીમા-કોરેગાંવ હિંસા કેસના આરોપીઓના નક્સલવાદીઓ સાથે સંબંધોના પુરાવા સાંપડયા છે''


નાગપુર, તા. 11 (પીટીઆઇ) : ભીમા-કોરેગાંવ હિંસાના કેસમાં પકડાયેલા આરોપીઓના નક્સલવાદી નેતાઓ સાથે સંબંધો હોવાના પુરાવા મળ્યા હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે મહારાષ્ટ્ર  વિધાન પરિષદમાં જણાવ્યું હતું. તપાસ દરમિયાન આરોપીઓના નક્સલવાદી નેતાઓ સાથે સીધાં સંબંધો હોવાનું દર્શાવતા કેટલાંક ઇમેલ્સ સાંપડયાં હોવાનું ફડણવીસે કહ્યું હતું.
વિધાન પરિષદના સભ્યો કપિલ પાટીલ અને ડૉ. નીલમ ગોરેએ ગૃહમાં આ કેસના આરોપીઓના નક્સલવાદી સાથેના સંબંધો અંગે સ્પષ્ટતા માગી હતી અને પાટીલે કહ્યું હતું કે આરોપીઓમાં એક વકીલ પણ છે. નક્સલવાદ સહિતની કોઇ વિચારધારા પ્રત્યે સહાનુભૂતિ રાખવી અને નક્સલવાદીઓ સાથે જોડાવું એ બંને બાબતો અલગ છે, એમ પાટીલે કહ્યું હતું. સરકાર આરોપીઓની ન્યાયીક તપાસ પૂરી થાય ત્યાં સુધીમાં તેમને જેલમાં જ રાખશે કે છોડશે એવું પાટીલે જાણવા માગ્યું હતું. ગોરેના આવાં જ સવાલના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે આરોપીઓની ન્યાયીક તપાસ ચાલી રહી છે, તેથી હાલમાં આ વિશે કોઇ નિવેદન કરવું યોગ્ય નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer