માતૃભૂમિના ડેપ્યુટી એડિટર વિરુદ્ધ એફઆઈઆરને વખોડતી અખબારી સંસ્થાઓ

 
નવી દિલ્હી, તા. 11 : માતૃભૂમિ ન્યૂઝ ટેલિવિઝન ચૅનલના ડેપ્યુટી એડિટર અને એન્કર વેણુ બાલકૃષ્ણન સામે એફઆઈઆર દાખલ કરવાના કેરળની કોલ્લમ પોલીસના પગલાની એડિટર્સ ગિલ્ડ અૉફ ઇન્ડિયાએ આકરી ટીકા કરી હતી. પોલીસ દ્વારા મુસ્લિમ યુવક પરના અત્યાચાર અને પોલીસ અત્યાચાર બાદ રાજ્યની વિધાનસભામાં ધાંધલના બનાવો પર ચૅનલમાં ચર્ચા શરૂ કરવા માટે શાસક સીપીઆઈ (એમ)ની યુવા પાંખ ડીવાયએફઆઈના સ્થાનિક નેતાઓ દ્વારા આઈપીસી કલમ 153એ હેઠળ કરવામાં આવેલી ફરિયાદ બાદ બાલકૃષ્ણન સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
ગિલ્ડ એવું માને છે કે શોના એન્કર તરીકે બાલકૃષ્ણને જે કંઈ કહ્યું હતું તેનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું અને તેને એફઆઈઆર નોંધવા માટેનો આધાર બનાવવામાં આવ્યો હતો. ગિલ્ડ એફઆઈઆરના આધારે બાલકૃષ્ણન સામેની પોલીસ કાર્યવાહીની નિંદા કરે છે અને તેને અખબારી સ્વતંત્રતા પર હુમલો થયો હોવાનું માને છે અને કેરળ સરકારે આ કમનસીબ બનાવની ગંભીર નોંધ લેવી જોઈએ. તેમ જ અખબારો અને ન્યાય આપતી પદ્ધતિને ગૌણ માનતું કોઈપણ પગલું ભરતા પોલીસને રોકવી જોઈએ એવું ગિલ્ડ માને છે.
દરમિયાન પ્રિન્ટ મીડિયાની સર્વોચ્ચ સંસ્થા ધી ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીએ પણ `માતૃભૂમિ ન્યૂઝ'ના એન્કર સામે કોમી તિરસ્કાર ઊભો કરવાનો આરોપ મૂકીને તેમની સામે એફઆઈઆર દાખલ કરવાના પોલીસના પગલાંની આકરી ટીકા કરી હતી. આઈએનએસ એવો અભિપ્રાય ધરાવે છે કે સત્તાના આવા ખુલ્લા દુરુપયોગ દ્વારા મીડિયા પર આવા પ્રકારના વારંવાર હુમલાથી અખબારી સ્વતંત્રતા સામે ગંભીર ખતરો ઊભો થાય છે અને આપણા લોકતાંત્રિક દેશમાં ખુલ્લી રીતે વિચારવાના, અભિવ્યક્ત કરવાના અને બોલવાના અધિકારોનું હનન કરવામાં આવે છે. બાલકૃષ્ણન સામેની કાર્યવાહી તત્કાળ પડતી મૂકવા આઈએનએસએ કેરળના ગવર્નરને વિનંતી કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer