દેશમાં ખ્રિસ્તી મિશનરીઓનાં ગેરકાયદે કૃત્યો તપાસવા પંચ રચો : વિહિપ


પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 11 : મધર ટેરેસા અને અન્ય ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સ્થાપિત સંસ્થાઓના વિદેશી ફન્ડ, તેમના આતંકવાદી સંગઠનો સાથેના કથિત સંબંધો તેમ જ હિન્દુઓ પ્રત્યેના તેમના ઘૃણાસ્પદ આચરણ અને વહેવાર જેવા મુદ્દાઓની તપાસ કરવા સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ તપાસપંચ નીમવાની માગણી વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)એ મોદી સરકાર સમક્ષકરી છે.
વિહિપના કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડૉ. સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે ચર્ચ અને એના દ્વારા સંચાલિત સેવાકાર્યો માત્ર ધર્માંતરણ જ નહીં, પરંતુ અનેક પ્રકારનાં અનૈતિક કૃત્યોના કેન્દ્ર બની ગયાં છે. આ દુષ્કૃત્યોનો અનેક વાર પર્દાફાશ થયો હોવા છતાં પ્રશાસનમાં તેમની વગને કારણે તેમ જ મધર ટેરેસાના નામને કારણે તેમનાં પાપ આસાનીથી છુપાવી દેવામાં આવે છે, પરંતુ હવે માનવતાના તમામ માપદંડોને ધ્વસ્ત કરીને તેમનાં કુકર્મોની લાંબી યાદી સામે આવી ગઈ છે.
રાંચીસ્થિત મધર ટેરેસા દ્વારા સ્થાપિત નિર્મલ હૃદય આશ્રમમાં ચાલતા વ્યભિચાર, બાળકોનો વેપાર અને અનેક અનૈતિક કાર્યોનો પર્દાફાશ થતાં માનવતા શર્મસાર થઈ છે. આશ્રમમાં અનાથ છોકરીઓ સાથે દુષ્કર્મ કરીને તેમનાં બાળકોને વેચી દેવામાં આવે છે. આ જ આશ્રમમાં ગયા વર્ષે 280 બાળકો લાપતા થયાં હતાં. વિહિપને એવી શંકા છે કે મધર ટેરેસા દ્વારા સ્થાપિત અન્ય આશ્રમોમાં પણ આવી જ પ્રવૃત્તિઓ ચાલતી હશે.
હિન્દુ સંતોની હત્યાનો સંદેહ પણ આ સંસ્થાઓ પર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ગેરકાયદે ધર્માંતરણ રોકવા ધર્મ સ્વતંત્રતા કાનૂન બનાવવાની પણ માગણી હિન્દુ સમાજ કરી રહ્યો છે. ધર્મના પ્રચાર અને ધર્માંતરણમાં વ્યસ્ત વિદેશી પર્યટકોના વિઝા રદ કરી તેમની સામે કડક કાનૂની કાર્યવાહીની માગણી પણ વિહિપે કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer