કીર્તિ વ્યાસ હત્યા : મૃતદેહ ન મળ્યો હોવા છતાં ક્રાઈમ બ્રાન્ચ ચાર્જશીટ નોંધાવશે


ડીએનએ રિપોર્ટ અને કોલ રેકર્ડના આધારે આરોપીને પકડી શકાશે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 11 : સલોન એક્ઝિક્યૂટિવ કીર્તિ વ્યાસ હત્યા કેસ પહેલો એવો કેસ હશે, જેમાં મૃતદેહ મળ્યા વગર જ ક્રાઈમ બ્રાન્ચ ચાર્જશીટ ફાઈલ કરશે. કીર્તિના માતા-પિતાના ડીએનએ રિપોર્ટ અને હત્યા કેસના મુખ્ય આરોપી સિદ્ધેશ તામ્હણકર અને ખુશી સાહજવાનીના કોલ રેકર્ડ પરથી આરોપીને પકડી પડાશે તેવી ક્રાઈમ બ્રાન્ચને ખાતરી છે.
ગ્રાન્ટ રોડની રહેવાસી 28 વર્ષીય કીર્તિ વ્યાસ અંધેરીના બી-બ્લન્ટ સલુનમાં કામ કરતી હતી અને 16મી માર્ચે ગુમ થઈ હતી. આ હત્યાના પ્રકરણે કીર્તિના બે સહકર્મચારીઓ 28 વર્ષીય સિદ્ધેશ તામ્હણકર અને 42 વર્ષની ખુશી સાહજવાનીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનો આશય છે કે, કીર્તિ દ્વારા સિદ્ધેશને વ્યવસ્થિત કામ નહી કરવા બદલ નોકરીમાંથી છૂટા કરવાની નોટિસ આપવામાં આવી હતી. તેથી રોષે ભરાયેલા સિદ્ધેશે ખુશીની એસયુવી ગાડીમાં કીર્તિને ગળુ દાબીને મારી નાખી હતી અને પછી લાશને માહુલના ડમ્પિંગ વિસ્તારમાં નાખી દીધી હતી. સીસીટીવી ફુટેજમાં કીર્તિ તેના ઘરની બહાર ગાડીમાં બેસતી નજરે પડે છે. તેમ જ ખુશીની ગાડી પરથી મળેલા લોહીના ડાઘ કીર્તિના માતા-પિતાના ડીએનએ સાથે મળતા આવે છે. આ આધારે જ સિદ્ધેશ અને ખુશીની ધરપકડ કરવામાં આવી છે. માર્ચ 16ના કોલ રેકર્ડ પણ દર્શાવે છે કે સિદ્ધેશ, ખુશી અને કીર્તિ સાથે હતા. 
સૂત્રોએ આપેલી માહિતી મુજબ, પ્રશાસન પાસે મુખ્ય પુરાવા તરીકે ડીએનએ રિપોર્ટ, કોલ રેકર્ડ અને સીસીટીવી ફુટેજ છે. કીર્તિ તરફથી આ કેસ રાજા ઠાકરે લડશે. આ કેસને શીના બોરા હત્યા કાંડ સાથે સરખાવામાં આવી રહ્યો છે. જેનું હાડપિંજર રાયગઢમાં મળી આવ્યું હતું. આ કેસમાં પોલીસને લાશ નહીં મળી હોવા છતાં આરોપીને પકડી શકાય તેવા ગાઢ પુરાવા છે. 
ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર આશુતોષ ડુંબરેએ કહ્યું હતું કે, બોડી શોધવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ આરોપીને પકડવા માટે પૂરતા પુરાવા હોવાથી લાશ મળે તેની રાહ જોવાની જરૂર નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer