ખેડૂતોના કઠોર પરિશ્રમની કૉંગ્રેસે 70 વર્ષમાં કદર ન કરી, મતબૅન્ક જ ગણ્યા


પંજાબની રેલીમાં મોદીનું સંબોધન: કૃષિજગતને બિરદાવ્યું

મુકતસર, તા. 11: કોંગ્રેસે આ 70 વર્ષમાં ખેડૂતોને જૂઠા વચનો આપ્યા છે અને તેઓ માટે કંઈ કર્યું નથી એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના મલૌત ખાતે રેલીને સંબોધતાં આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ખેડૂતોએ તે પક્ષમાં વિશ્વાસ મૂકયો પણ તેઓના કઠોર પરિશ્રમની કોંગ્રેસે કદર ન કરી અને નકરા વચનો આપ્યા અને પક્ષે માત્ર એક કુટુંબના હિત સારુ જ કામ કર્યું એમ જણાવી મોદીએ એવી ટકોર કરી હતી કે કોંગ્રેસે ખેડૂતોનું સશક્તિકરણ કરવાના બદલે તેનો માત્ર મત બેન્ક તરીકે જ ઉપયોગ કર્યો. હાલની કેન્દ્ર સરકારે પરિસ્થિતિને બદલવા ભારે મહેનત લીધી છે. 
   આ દેશના ખેડૂતો ચેનની નિંદર લે તે હકીકત તેઓ (કોંગ્રેસ)ને જચતી નથી અને કોંગ્રેસ તથા તેના સાથી પક્ષોની ઉઁઘ હરામ થઈ ગઈ છે એમ જણાવી વડા પ્રધાને ભારતને કૃષિ ક્ષેત્રે સુપરપાવર બનાવવામાં આપેલા પ્રદાનનો સ્વીકાર કર્યો હતો. તેઓના કઠોર પરિશ્રમ સમક્ષ હું ખેડૂતો સમક્ષ મારું શિશ નમાવું છું એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા વચન આપ્યું છે અને અમે તે દિશામાં કાર્યરત છીએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer