મેઘરાજા પોરો ખાય છે વસઈ-વિરારમાં થાળે પડતું જનજીવન


મુંબઈમાં છૂટાછવાયાં ઝાપટાંની આગાહી
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મુંબઈમાં મેઘરાજાએ આજે પોરો ખાધો હતો. વસઈ-વિરારમાં ઘણાખરા વિસ્તારોમાં પાણી ઓસરતાં રેલવ્યવહાર શરૂ થયો છે અને વીજપુરવઠો પણ પૂર્વવત થયો છે. આવતી કાલે મુંબઈમાં છૂટાછવાયાં ઝાપટાં પડશે એવી આગાહી કોલાબા વેધશાળાએ કરી છે.
આજે રાત્રે 8.30 વાગે પૂરા થયેલા 24 કલાકમાં કોલાબામાં 114.40 મિમી અને સાંતાક્રુઝમાં 41 મિમી વરસાદ નોંધાયો હતો. મોસમનો કુલ વરસાદ કોલાબામાં 1369.90 મિમી (54 ઇંચથી વધારે) અને સાંતાક્રુઝમાં 1661.50 મિમી. (66 ઇંચથી વધારે) નોંધાયો છે.
વસઈ-વિરારમાં વીજળી ગૂલ થતાં નાગરિકો પરેશાન
છેલ્લા ચાર દિવસ સતત વરસાદથી વસઈ-વિરાર વચ્ચેના પટ્ટામાં રહેતા લોકોનું જનજીવન સંપૂર્ણપણે ખોરવાયું છે. વીજળી ગૂલ થવાને લીધે લોકો મોબાઈલ ફોન ચાર્જ કરવા રેલવે-સ્ટેશને ટોળે વળી રહ્યા હતા. મોબાઈલમાં ચાર્જિંગ વિના લોકો પોતાના સગાંસંબંધીઓનો સંપર્ક સાધી શક્યા નહોતા.
વસઈ-વિરારમાં વીજળી પુરવઠો પૂર્વવત્
વસઈ-વિરારમાં વીજપુરવઠો આજે સાંજથી પૂર્વવત્ કરવામાં મહાવિતરણ અને મહાપરીક્ષણના કર્મચારીઓને સફળતા મળી છે. જ્યાં પાણી ભરાયું છે એવી જગ્યાએ હજી વીજળી આવી શકી નથી. સબસ્ટેશનમાં ચાર ફૂટ પાણી એકઠું થયું હતું. તેથી ખોટકાયેલી યંત્રણા શરૂ કરવા 100 કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
વિરાર-નાલાસોપારા વચ્ચે ટ્રેનવ્યવહાર 24 કલાક પછી શરૂ થયો
ચર્ચગેટથી આજે સવારે 8.50 વાગ્યે વસઈ રોડ માટેની ટ્રેન ઉપડી હતી. સવારના સમયે વિરારથી ચર્ચગેટ તરફ ફક્ત પાંચ લોકલ ટ્રેનો રવાના થઈ હતી. વિરાર અને નાલાસોપારા વચ્ચે કલાકના દસ કિ.મી.ના વેગથી ટ્રેનો દોડતી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer