ભારતને કચરા વ્યવસ્થાપનમાં મદદ માટે જાપાન તૈયાર


પ્લાસ્ટિક બૉટલ્સના રિસાઈક્લિંગ માટે જાપાનનો અનુભવ મહારાષ્ટ્રને કામ આવી શકે
 
મુંબઈ, તા. 11 (પીટીઆઇ) : મહારાષ્ટ્ર સરકારે લાદેલી પ્લાસ્ટિકબંધી વચ્ચે જાપાને પ્લાસ્ટિક સહિતના ઘનકચરા વ્યવસ્થાપનમાં રાજ્યની મદદ માટે હાથ લંબાવ્યો છે. મુંબઇમાં જાપાનના કૉન્સ્યુલેટ જનરલ રયોજી નોડાએ આજે સીઆઇઆઇની બેઠકમાં જણાવ્યું હતું કે જો મુંબઈમાં રોજ સાત હજાર ટન કચરો બહાર પડતો હોય તો દર મહિને શહેરમાંથી 2,10,000 ટન કચરો બહાર પડે. જાપાન 85 ટકા પૅટ બૉટલ્સનું રિસાઈક્લિંગ કરતું હોવાથી મહારાષ્ટ્રને આવા કચરાના વ્યવસ્થા તંત્રમાં મદદ કરી શકે છે. નોડાએ કહ્યું હતું કે જાપાન ભારતને જળ, વાયુ અને સમુદ્રના પ્રદૂષણના નિયંત્રણ માટે પોતાનો અનુભવ કામે લગાડવા તૈયાર છે. જાપાનના અૉવરસીઝ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ ફંડ પેટે ફાળવેલા 22,000 કરોડ રૂપિયા એ ભારતને સૌથી મોટી મદદ છે. આ ફંડમાંથી મુંબઈને પણ લાભ મળવાનો છે. 
નોડાના જણાવ્યા પ્રમાણે જાપાન ઇન્ટરનેશનલ કો-અૉપરેશન એજન્સી અને એમએમઆરડીએ વચ્ચે પણ કેટલીય યોજનાઓ માટે કરારો થયા છે. આ કરાર પ્રમાણે મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે ટ્રાન્સ હાર્બર લિંક રોડ માટે જાપાનની 9000 કરોડ રૂપિયા ફાળવવાની તૈયારી છે અને વર્ષ 2022 સુધીમાં આ પ્રોજેક્ટ તૈયાર થઇ જશે. કોલાબાથી સિપ્ઝ વચ્ચેની પ્રસ્તાવિત મેટ્રો-3 યોજનામાં પણ જાપાન 4500 કરોડ રૂપિયા આપવા સંમત થયું છે અને વર્ષ 2021 સુધીમાં આ પ્રોજેક્ટ પણ તૈયાર થઇ જશે.
નોડાએ કહ્યું હતું કે મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.10 લાખ કરોડ રૂપિયાનો અંદાજાયો છે, તેમાં જાપાન 88,000 કરોડ રૂપિયા આપશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer