પાકિસ્તાનના પક્ષોએ માન્યું કે કાશ્મીર ભારતનું !


સામાન્ય ચૂંટણીના ઘોષણાપત્રોમાં કાશ્મીરનો ઉલ્લેખ માત્ર નામ પૂરતો : પાક મીડિયા

ઈસ્લામાબાદ, તા. 11 : ભારત હોય કે પાકિસ્તાન, સરહદની બંને તરફ મતદાતાઓના ધ્રુવીકરણની દ્રષ્ટિએ કાશ્મીર એક અવો મુદ્દો રહ્યો છે જેનો તમામ રાજકીય પાર્ટી ઉપયોગ કરવા માગતી હોય છે અને તેથી જ બંને દેશના તમામ પક્ષોના ઘોષણાપત્રમાં કાશ્મીરના મુદ્દાને હંમેશાં પ્રાથમિકતા અપાતી રહી છે. એવામાં ચોંકાવનારી ખબર પાકિસ્તાનથી આવી છે જ્યાં મોટી રાજકીય પાર્ટીઓના ઘોષણાપત્રમાં કાશ્મીરનો મુદ્દો ગાયબ જેવો લાગી રહ્યો છે.
પાકિસ્તાનમાં પચ્ચીસ જુલાઈના યોજાનારી સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય ગરમી છે અને મતદાતાઓને લોભાવવા માટે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઘોષણાપત્રો જારી કરી દીધાં છે.
પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) (પીએમએલ-એન), પાકિસ્તાન તહેરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના ઘોષણાપત્રમાં કાશ્મીરનો નામમાત્રનો ઉલ્લેખ જોવા મળે છે. કાશ્મીરને લઈને આક્રમક વલણ ધરાવતી અને પાકિસ્તાની સેનાનું પરોક્ષ સમર્થન જેને છે તે પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનની પીટીઆઈના 58 પાનાના ઘોષણાપત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ માત્ર બે વખત આવ્યો છે. ઈમરાનની પાર્ટીએ કાશ્મીરના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવના દાયરામાં ઉકેલવા બ્લૂપ્રિન્ટ બનાવવાની વાત કરી છે.
પાકના સૌથી મોટા દળ પૂર્વ પીએમ નવાઝના પક્ષે ચીન સાથેના સંબંધોને વધુ પ્રાથમિકતા આપી છે. કાશ્મીરને વિદેશી એજન્ડાના દસસૂત્રી કાર્યક્રમમાં નવમું સ્થાન આપ્યું છે. પીપીપીના 64 પાનાના ઘોષણાપત્રમાં કાશ્મીરને 59મા પાના પર સ્થાન અપાયું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer