હવેથી મુંબઈમાં ભારે વરસાદમાં સ્કૂલ-કૉલેજો બંધ રાખવા સંબંધી નિર્ણય પાલિકા લેશે : વિનોદ તાવડે

હવેથી મુંબઈમાં ભારે વરસાદમાં સ્કૂલ-કૉલેજો બંધ રાખવા સંબંધી નિર્ણય પાલિકા લેશે : વિનોદ તાવડે

મુંબઈ, તા. 11 (પીટીઆઇ) : ભારે વરસાદમાં મુંબઈમાં સ્કૂલ-કૉલેજો બંધ રાખવા સંબંધી નિર્ણય હવેથી મુંબઈ પાલિકા લેશે, એવી જાહેરાત મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેએ આજે  કરી હતી. તાવડે મુંબઈના પાલક પ્રધાન પણ છે અને નવમી જુલાઇએ મુંબઈમાં અનરાધાર વરસાદ હતો ત્યારે સવારે સાત વાગ્યે કેટલીય સ્કૂલ-કૉલેજો શરૂ થઇ ગયા બાદ મોડેથી તાવડેએ રજા જાહેર કરતા તેમની ચોમેર ટીકા થઇ હતી. 
તાવડેએ આજે મુંબઈના પાલિકા મુખ્યાલયમાં પાલિકાના કમિશનર અજૉય મેહતા અને રેલવે, પોલીસ, પાલિકા, એમએમઆરડીએ સહિતની એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારે વરસાદ જેવી પરિસ્થિતિમાં સ્કૂલ-કૉલેજોમાં રજા જાહેર કરવી કે કેમ તેનો નિર્ણય હવેથી પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા લેવાશે. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ વખતે વહેલી સવારે પાંચ વાગ્યે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓની બેઠક થશે અને છ વાગ્યા સુધીમાં ચર્ચા-વિચારણા કરીને શહેરની સ્કૂલ-કૉલેજોમાં રજા જાહેર કરવી કે કેમ તેનો નિર્ણય લેવાશે. તમામ બૉર્ડ કે યુનિવર્સિટીની શહેરની કૉલેજોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સૂચનાનું પાલન કરવાનું રહેશે.
તાવડેએ કહ્યું હતું કે ભારે વરસાદથી શહેરના વિવિધ વિસ્તારોમાં ક્યાં કેટલાં પાણી ભરાય છે અને કેવી પરિસ્થિતિ છે તેની સંપૂર્ણ માહિતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ પાસે હોય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer