પાણીનો ભયંકર વેડફાટ બે જળાશય જેટલું પાણી દરિયામાં વહી ગયું !

પાણીનો ભયંકર વેડફાટ બે જળાશય જેટલું પાણી દરિયામાં વહી ગયું !

મુંબઈ, તા. 11 : મુંબઈને પાણીપુરવઠો કરવા માટેની પોતાની સ્વતંત્ર યંત્રણા ન હોવાથી મુંબઈએ આ વખતના ચોમાસામાં બે જળાશયો જેટલું પાણી દરિયામાં વહાવી દેવું પડયું છે. મુંબઈમાં વધતા જતા કૉક્રિટીકરણને લીધે પાણી જમીનમાં જવા માટે જગ્યા જ નથી બચી. એને લીધે 3,75,500 લાખ લિટર જેટલાં પાણીનો નિકાલ કરવો પડયો. આટલું પાણી દરિયામાં છોડવું પડયું હોવાનું મુંબઈ મહાપાલિકાએ જણાવ્યું હતું. વિહાર તળાવ છલકાઈને વહી રહ્યાના સારા સમાચાર મળ્યા બાદ બીજી તરફ આટલું બધું પાણી દરિયામાં વહાવી દેવાનું જાણવા મળ્યું. 
ચોમાસા દરમિયાન મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. પાણીના નિકાલ માટે જગ્યા ન હોવાથી તેમ જ મુંબઈમાં એવી મોકળી જગ્યા અને વૃક્ષો ઘટી રહ્યા હોવાથી પાણીપુરવઠો કરવાની ક્ષમતા ઘટી રહી છે. એક તરફ પાણી સંદર્ભે રાજ્યોમાં વિવાદ ચાલી રહ્યા છે ત્યારે મુંબઈએ વિહાર અને તુલસી જેવાં બે તળાવો ભરાય એટલું પાણી દરિયામાં વહાવી દેવું પડયું છે.
વિહાર અને તુલસી તળાવમાં 3,67,440 લાખ લિટર જેટલું પાણી સંગ્રહી શકાય છે. એના કરતાં વધુ પાણીનો નિકાલ છેલ્લા 20 દિવસમાં પડેલા વરસાદમાં કરવામાં આવ્યો હતો.
કૂવા, તળાવ અને નદીઓનો વિકાસ કરવાનાં આશ્વાસનો અપાતા હોય અને ચર્ચા ચાલતી હોય તોય પાણીપુરવઠો વધારવાના કોઈ પ્રયત્ન નથી થતા.
જ્યેષ્ઠ વન અભ્યાસક અને વાસ્તુ રચનાકાર ઉલ્હાસ રાણેએ કહ્યું કે હાલમાં મુંબઈમાં મોટા પાયે કૉક્રિટીકરણ થઈ રહ્યું છે. એને લીધે ખુલ્લી જગ્યા કે બાગબગીચાનો વિચાર પણ આપણે કરતા નથી. 
ભૂજળ પુરવઠો વધારવો, વૃક્ષો વાવવાં અને કૉક્રિટીકરણ ઓછું કરવા જેવા ઉપાયો થકી જ આપણે પાણીના વેડફાટ પર નિયંત્રણ લાવી શકીએ. એ માટે મહાપાલિકા અને સરકારની સાથોસાથ મુંબઈની જનતાએ પણ પ્રયત્ન કરવા જરૂરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer