કલમ 377 : આખરી નિર્ણય સુપ્રીમ પર છોડતી કેન્દ્ર સરકાર

કલમ 377 :  આખરી નિર્ણય  સુપ્રીમ પર  છોડતી કેન્દ્ર સરકાર
 
નવી દિલ્હી તા. 11:  સંમતિ સાથે બે સજાતીય વયસ્કો વચ્ચેના અકુદરતી જાતીય સંબંધોના અપરાધીકરણ અંગેની બંધારણની કલમ 377ની બંધારણીય અધિકૃતતા વિશે ફેસલો કરવાનું કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતના ડહાપણ પર છોડયું હોવાનુ કેન્દ્ર વતી અદાલતમાં ઉપસ્થિત અતિરિકત સોલિસિટર જનરલ (એએસજી) તુષાર મહેતાએ જણાવ્યુ હતું.
બે સજાતીય વયસ્કો વચ્ચે સંમતિસહ જાતીય સંબંધને અપરાધ ગણવામાં ન આવે તેવી માગણી કરતી અનેક અરજીઓની સુનાવણી, મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) દિપક મિશ્રાના વડપણવાળી પાંચ જજની બંધારણીય બેન્ચ કરી રહી છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે જણાવ્યુ હતું કે આ દંડાત્મક જોગવાઈની અધિકૃતતા સાથે અદાલત કામ પાડે તે સામે કેન્દ્ર સરકારને કોઈ વાંધો નથી. બેન્ચે જણાવ્યું હતું કે તે તો બંધારણની કલમ 377ની બંધારણીય અધિકૃતતાને જ સાંભળી રહી છે.
જો જાતીય સહચારી (પાર્ટનર) પસંદ કરવાના અધિકારને મૂળભૂત અધિકાર ગણવામાં આવે તો કોઈ  (પુરુષ કે નારી) આવીને એમ પણ કહે કે તે તેના ભાઈ/બહેનને પરણવા માગે છે, જે બાબત લગ્ન મામલે કામ પાડતા કાયદાથી વિપરીત છે એમ એએસજીએ જણાવ્યું હતું. અમે કંઈ આ બધાય પ્રશ્નો વિચારણામાં લેનાર નથી. શૂન્યાવકાશમાં કોઈ આ બધા પ્રશ્નો વિશે ફેઁસલો ન આપી શકે એમ બેન્ચે જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer