મુંબઈમાં પોરો, હવે ગુજરાતનો વારો

મુંબઈમાં પોરો, હવે ગુજરાતનો વારો

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત/રાજકોટ, તા. 11 : સતત ત્રણ દિવસ સુધી દેશના આર્થિક પાટનગર મુંબઈ સહિત મહારાષ્ટ્રને ધમરોળ્યા બાદ હવે ભારે વરસાદે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જનજીવનને ખોરવી નાખ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વિશેષપણે નવસારી શહેરને સૌથી માઠી અસર પહોંચી છે. વલસાડ જિલ્લામાં ઔરંગા અને ભૈરવી નદી તથા નવસારીમાં પૂર્ણા નદી બંને કાંઠે વહી રહ્યાના અહેવાલ હતા. એનડીઆરએફની ટીમોને તહેનાત કરાઈ છે. નવસારીના નીચાણવાળા કાલિયાવાડી સહિતના વિસ્તારોમાંથી 600 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. વેજલપોર રોડ પણ જળબંબાકાર બન્યો હતો. સાઇરન વગાડીને લોકોને ઍલર્ટ કરાયા હતા.
હવામાન ખાતાની આગાહી મુજબ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે. આજે મેઘરાજાએ સુરતના બારડોલી અને નવસારી જિલ્લામાં અનરાધાર પાણી વરસાવ્યું હતું. મેઘરાજાએ ગઈ કાલ મોડી રાતથી નવસારી અને બારડોલીમાં અનુક્રમે 10 અને સાડાઆઠ ઇંચ પાણી વરસાવ્યું હતું. 
ભારે વરસાદને પગલે સુરત-મુંબઈ વચ્ચે નૅશનલ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઠેકઠેકાણે ટ્રકોની લાંબી-લાંબી લાઇનો લાગતાં ટ્રાફિકને કન્ટ્રોલ કરવા પોલીસે દોડવું પડયું હતું. બીજી તરફ મુંબઈના નાલાસોપારા પાસે ટ્રૅક ધોવાઈ જતાં બીજા દિવસે પણ સુરત-મુંબઈ વચ્ચેના ટ્રેનવ્યવહારને અસર પહોંચી હતી. બીજા દિવસે પણ એસટી તંત્રએ સુરત રેલવે સ્ટેશનથી વાયા દહાણુ, દહિસર મુંબઈ તરફ બસો દોડાવી હતી.
બે દિવસથી સુરતથી મુંબઈ જતા યાત્રીઓ વિવિધ રેલવે સ્ટેશને ફસાયા છે. સુરત, વાપી, નવસારી, વલસાડ, ઉમરગામ, પારડીથી મુંબઈ તરફ દરરોજ કામ-ધંધાર્થે અપ-ડાઉન કરતા લોકો ભારે વરસાદને કારણે આજે પણ ફસાયા હતા. મોટા ભાગે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું, પરંતુ જેઓને ફરજિયાત જવાનું હતું તેઓએ રોડમાર્ગે મુંબઈ તરફ દોટ લગાવી હતી. ભારે વરસાદને કારણે વાહનોની રફતાર પર બ્રેક લાગી હોય એમ મુંબઈ-સુરત નૅશનલ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer