રબરની આયાત હળવી બનાવવાની ટાયર ઉત્પાદકોની માગણી

રબરની આયાત હળવી બનાવવાની ટાયર ઉત્પાદકોની માગણી
 
ચેન્નઈ, તા. 12 : આ વર્ષે એપ્રિલ-મે દરમિયાન કુદરતી રબર (એનઆર)નું ઉત્પાદન 16 ટકા ઘટવાથી ટાયર ઉત્પાદકોમાં ચિંતા વ્યાપી છે.
રબર બોર્ડની માહિતી દર્શાવે છે કે આ વર્ષના એપ્રિલ-મે મહિનામાં ગયા વર્ષના સમાન ગાળાના 98,000 ટનની સામે 82,000 ટન ઉત્પાદન થયું છે. આથી વિપરીત વપરાશ 13 ટકા વધ્યો છે. ટાયર ઉદ્યોગના 90 ટકાનું પ્રતિનિધિત્વ અૉટોમોટિવ ટાયર મેન્યુફેકચર્સ એસોસિયેશન (`આત્મા') કરે છે.
પર્યાવરણની નીતિ જ્યારે અવરોધક છે ત્યારે કુદરતી રબરની આયાત સ્થાનિક માગને સંતોષવા અતિ આવશ્યક છે. કુદરતી રબરની આયાત પર 25 ટકા જેટલી કસ્ટમ ડયૂટી છે અને બીજા અનેક પડકારો પણ રહ્યા છે. નિકાસની અવેજીમાં કુદરતી રબરની આયાત કરવા માટે ઉદ્યોગે આયાત પહેલાની શરતો પૂરી કરવાની હોય છે. વધુમાં નિકાસની જવાબદારીનો સમયગાળો 18 મહિનાથી ઘટાડીને છ મહિનાનો કરાયો હોવાથી મુશ્કેલી વધી છે, એમ `આત્મા'ના ડિરેકટર જનરલ રાજીવ બુદ્ધિરાજાએ કહ્યું હતું.
કેન્દ્ર સરકારે કુદરતી રબરની આયાત પર પહેલા લાગતા બંદરોના પ્રતિબંધો ઉઠાવી લીધા છે, પરંતુ ઉદ્યોગ બંદરોને લગતા બધા જ પ્રતિબંધો ઉઠાવી લેવાય તેવું ઈચ્છે છે તથા સ્થાનિક ઉત્પાદન અને વપરાશ વચ્ચેના તફાવતની ભરપાઈ માટે શૂન્ય ટેરિફ પણ ઈચ્છે છે.
કુદરતી રબરની માહિતી સમય પર ન મળવા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. આથી ટાયર ઉદ્યોગને યોજના તૈયાર કરવામાં અવરોધક બને છે. બુદ્ધિરાજાએ કહ્યું હતું કે પ્રત્યેક મહિનાના પ્રથમ સપ્તાહમાં માસિક આંકડા રજૂ કરવાની સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસની તુલનાએ રબર બોર્ડ દ્વારા ઉત્પાદન, વપરાશની માહિતી ઘણી મોડેથી રજૂ કરાય છે. એપ્રિલથી જૂનનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ કુદરતી રબરના ઉત્પાદન પેટર્ન વિશે ઉદ્યોગને કોઈ જ અંદેશો નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer