વ્યાજદરના ફફડાટથી સોનામાં ફરી કડાકો

વ્યાજદરના ફફડાટથી સોનામાં ફરી કડાકો
 
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.12 : સોનું ઓવરનાઇટમાં તૂટયાં પછી સ્થિર હતું. ન્યૂ યોર્કમાં સોનું 1244 ડૉલરની 13 મહિનાની નીચલી સપાટીએ સ્થિર રહ્યું હતું. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોરનો મામલો ચાલુ હોવા છતાં ડૉલરમાં આવેલી તેજીને પગલે સોનું ઢીલું પડયું હતું.
સિડનીના એક ટ્રેડરે કહ્યું હતું કે ડૉલરમાં તેજી આવવાને પગલે સોનું તૂટી રહ્યું છે. અમેરિકી ઇક્વિટી માર્કેટ ઢીલી હતી પણ સોનાને તેનો ટેકો મળ્યો ન હતો. જાપાનીઝ યેન સામે ડૉલરનું મૂલ્ય છ મહિનાની ટોચ ઉપર હતું. ફેડરલ રિઝર્વ ચાલુ વર્ષમાં હજુ બે વખત વ્યાજદર વધારો કરશે તેવો ભય ફરીથી સપાટી ઉપર આવવાને લીધે ડૉલરમાં તેજી છે. અમેરિકામાં ફુગાવો ઊંચકાયો છે. એ કારણે વ્યાજદરનો ડર ઉપસ્થિત થયો છે. આ સ્થિતિમાં સોનાની માગ ઘટી છે. કરન્સીમાં ડૉલરની ખરીદી વધારે થઇ રહી છે. અમેરિકા વધુ 200 બિલિયન ડૉલરના સામાન ઉપર 10 ટકા જકાત લગાવવાનું હોવાથી ચીન ભડક્યું છે. 
ચીન પણ સામે વળતા પ્રહાર રૂપે જકાત વધારો કરી શકે છે. 
સોનાની મંદી જોતા બે દિવસમાં 1237 ડૉલરની ટેકારૂપ સપાટી તોડે તેવી સંભાવના દેખાય છે. આ સ્તર તૂટે તો ટેક્નિકલ રીતે 1226 ડૉલર સુધીનો ઘટાડો આવી શકે છે. ચાંદીનો ભાવ પણ 16 ડૉલરની નીચે ઉતરી જતા 15.83 ડૉલરના સ્તરે હતો. છેલ્લે ડિસેમ્બર 2017માં 15.72 ડૉલરના ભાવ જોવા મળ્યા હતા. 
ચાંદી ફરીથી એ સપાટી તરફ જઇ રહી છે. રાજકોટની સોની બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂા. 150ના ઘટાડામાં રૂા. 31,200 હતો. મુંબઈ સોનું રૂા. 235 તૂટી રૂા. 30,295 હતું. ચાંદી રાજકોટમાં રૂા. 450ના ગાબડા સાથે રૂા. 39,500 હતી. મુંબઈમાં રૂા. 365 તૂટતા રૂા. 38,765માં મળતી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer