રોકાણકારોની ઉત્સુકતા અને સકારાત્મક વૈશ્વિક પરિબળોથી સેન્સેક્ષ-નિફટી ઓલટાઈમ હાઈ

રોકાણકારોની ઉત્સુકતા અને સકારાત્મક વૈશ્વિક પરિબળોથી સેન્સેક્ષ-નિફટી ઓલટાઈમ હાઈ
નિફટી 11000ના સ્તરની ઉપર બંધ રહ્યો, રિલાયન્સ ચાર ટકા ઊછળી નવી ઐતિહાસિક સપાટીએ
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : દેશનાં શૅરબજારમાં ત્રીજા દિવસે તેજી પૂરપાટ દોડી હતી. ક્રૂડતેલના ઉત્પાદનમાં વેનેઝુએલાની આક્રમકતાને લીધે વૈશ્વિક બજારભાવ બુધવારે 6 ટકા સુધી ઘટયો છે. સાથે સાંજે જાહેર થનાર આઈઆઈપી અને ફુગાવાનો આંક પ્રોત્સાહિત રહેવાના આશાવાદે ડૉલર સામે રૂપિયો 19 ટકા મજબૂત થવાથી બજારમાં તેજીને બળ મળ્યું છે, એમ જાણકારો માને છે. ચીન-અમેરિકા વચ્ચે વાટાઘાટના આશાવાદે વૈશ્વિક અને એશિયન બજારો મજબૂત રહેવાને લીધે આજે શરૂઆતથી એનએસઇ ખાતે નિફટી 11006 ખૂલીને 10999ની શોર્ટ બોટમ બનાવી સતત વધતા 11078ની નવી ટોચે ગયો હતો, જે ટ્રેડ આખરે પાંચ મહિનાના સમયગાળા પછી 75 પૉઈન્ટ વધી સૌથી ઊંચી 11023ની સપાટીએ બંધ રહ્યો હતો. જેથી સેન્સેક્ષ 282 પૉઈન્ટ ઊછળી 36548ની સર્વોચ્ચ સપાટીએ બંધ હતો. જેની સાથે સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આજે મોખરાના ટ્રેડ સાથે સર્વોચ્ચ ભાવે રૂા. 1082 બંધ હતો.
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર બાબતે વાટાઘાટ શરૂ થવાના આશાવાદના સંકેતથી વૈશ્વિક બજારને સકારાત્મક હૂંફ મળી હોવાનું ઍરસેલ મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ વિરલ બેરાવાલાએ જણાવ્યું હતું. જેની અસર ભારતનાં શૅરબજારો પર પડી છે, જ્યારે આઈડીબીઆઈ કેપિટલના સંશોધન વડા એ. કે. પ્રભાકરે જણાવ્યું છે કે `ક્રૂડતેલના ભાવઘટાડાથી દેશની વાણિજ્ય ખાધ ઘટશે એવા આશાવાદે બજાર સુધારા પંથે રહ્યું છે.' જોકે, આજે ઘણા સમય પછી વિદેશી રોકાણકારો (ડીઆરઆઈ)એ અંદાજે એક દિવસમાં રૂા. 636 કરોડની શૅર ખરીદી કરી હોવાથી પણ મુખ્યત્વે હેવીવેઈટ શૅરોના ભાવ સતત સુધારે રહ્યા છે. જેમાં ઈંધણ ઉત્પાદક - રિફાઈનરીઓમાં ચમક ફરી આવી છે. જ્યારે પસંદગીના બૅન્કિંગ, ખાનગી બૅન્કો અને એફએમસીજી-સિમેન્ટ શૅરોમાં લેવાલી રહી હતી.
આજના ટ્રેડની સમીક્ષામાં જણાવ્યું છે કે 'રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ નોંધપાત્ર રૂા. 43 વધતા (4 ટકા) તેજી માર્કેટ કેપિટલાઈઝેશન 100 અબજ ડૉલરને આંબી ગયું હતું. ક્રૂડ ઘટાડાની સારી અસરથી એચપીસીએલ અને બીપીસીએલ અનુક્રમે રૂા. 4 અને 11 વધવા સાથે આઈઓસી રૂા. 2 સુધર્યો હતો. જ્યારે ફાર્મા અગ્રણી ડૉ. રેડ્ડી ઘટાડો પચાવીને આજે પુન: રૂા. 55 સુધર્યો હતો. એલએન્ડટી રૂા. 25 અને એચડીએફસી રૂા. 35, એચડીએફસી બૅન્ક રૂા. 17, જ્યારે એચયુએલ રૂા. 24, એસબીઆઈ રૂા. 4, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૂા. 3, ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 23 અને એચસીએલ ટેક્નૉલૉજી રૂા. 12 વધ્યો હતો.
જેની સામે ભાવઘટાડાની આગેવાની લેનાર શૅરમાં મારુતિ સુઝુકી રૂા. 37, હીરો હોન્ડા રૂા. 37, એમએન્ડએમ રૂા. 15, ઈન્ફોસીસ અને ટીસીએસ અનુક્રમે રૂા. 26 અને રૂા. 8 ઘટયા હતા. જ્યારે લ્યુપીન રૂા. 16, ગ્રાસીમ રૂા. 19 અને વેદાન્તા રૂા. 7 ઘટીને નજીકના તળિયે રૂા. 211 કવોટ થયો હતો. ઈંધણના ભાવ ઘટયા છતાં જેટ ઍરવેઝ અને ઈન્ટરગ્લોબલ એવીએશન અનુક્રમે 6 અને 5 ટકા ઘટાડે બંધ હતા.
એનએસઈ ખાતે નિફટીના મુખ્ય 26 શૅરમાં સુધારા સામે 24 શૅર ઘટાડે રહ્યા હતા. બજારના જાણકાર સૂત્રોના અનુમાન પ્રમાણે આ તેજી 10570 અને 10602ની સપાટી ટકયા પછીનો ટેક્નિકલ રીતે થયેલ સુધારો છે. જેની ટોચ ચાર્ટ મુજબ 11300 આસપાસ આવશે. જોકે છેલ્લા ચાર મહિનાની નિફટી - સેન્સેક્ષની વધઘટને વ્યક્તિગત શૅરોના ભાવથી સ્નાનસૂતકનો સંબંધ રહેતો નથી. જેને અતિ મહત્ત્વપૂર્ણ સાવધાનીનો સિગ્નલ ગણી શકાય. બજારના જાણકારોમાં હવે પછીના ત્રણ મહિના માટે બજારની રૂખ બાબતે વિભાજિત થતા જાય છે. આંતરરાષ્ટ્રીય ટ્રેડની સ્થિતિ, ક્રૂડના સંયોગ અને તેની સાથે દેશની રાજકીય અને આર્થિક સ્થિતિ બાબતે પ્રવર્તતી અનિશ્ચિતતા આગામી ત્રણ-ચાર મહિના તીવ્ર વધઘટના રહેશે, એમ પીઢ અનુભવીઓ સ્પષ્ટ માને છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer